નવસારી: નવસારીમાં જોખમકારક કચરો સળગાવનાર વેપારીને મનપાએ રોકડ દંડ ફટકારી આગામી દિવસોમાં વધુ કડકાઈ દાખવવાનો મેસેજ આપ્યો છે. નવસારી મહાનગરપાલિકા બન્યા બાદ રસ્તા ઉપર કે જાહેર માર્ગ પર ગંદકી ફેલાવનારા ઉપર પણ કાર્યવાહી કરી રહી છે.

હાલમાં મહાનગરપાલિકા રસ્તા પર દબાણ કે અન્ય કોઇ પ્રવૃત્તિ થાય જેના કારણે ટ્રાફિક જામ કે લોકોને મુશ્કેલી પડે તે માટે સ્કવોડનું પણ નવસારી શહેરમાં ફરતા રહે છે. નવસારીના દશેરા ટેકરી ગણેશ ચોક વિસ્તારમાં એક ભંગારનો વેપારી સાંજે જોખમકારક પર્યાવરણ અને લોકોના આરોગ્યને હાનિકારક કચરો બાળતો હતો, જે મહાપાલિકા તંત્રની નજરે પડયો હતો. પાલિકાએ આ ગેરકાયદે કામ કરનારને તુરંત રોકડ દંડ કર્યો હતો.

Decision news ને મળેલી માહિતી મુજબ મનપાની ટીમે ગંદકી કરનાર, કચરો બાળનાર જેવી પ્રવૃત્તિ કરનાર સામે સ્કવોર્ડ બનાવી છે. અહીં ઉલ્લેખનીય છે કે શહેરમાં આમ તો અનેક જગ્યાએ છૂટોછવાયો કચરો બળતો જોવા મળે છે પણ કેટલીક જગ્યાએ અવારનવાર ઘણો કચરો બળતો જોવા મળે છે, જેમાં પૂર્ણા નદી કાંઠે બંદર રોડની કચરા ડમ્પીંગ સાઇટ નજીક પણ છે. અહીં બળતા કચરાની દુર્ગંધથી નજીકના લોકો ત્રાહિમામ પોકારે છે.જેની ઉપર મહાનગરપાલિકા પગલા લે કે નહીં તે જોવું રહ્યું.