અંકલેશ્વર: અંકલેશ્વર નગર સેવા સદન દ્વારા ચોમાસાની પૂર્વ તૈયારીઓ શરૂ કરવામાં આવી છે. શહેરમાં વરસાદી પાણીનો ભરાવો ન થાય અને તેનો સરળ નિકાલ થાય તે માટે પાલિકાએ બે વિભાગમાં કામગીરી વહેંચી છે.પ્રથમ વિભાગમાં શહેરની આંતરિક ગટર લાઈન અને ચેમ્બરની મેન્યુઅલ સફાઈ હાથ ધરવામાં આવી છે.
Decision news ને મળેલી માહિતી મુજબ બીજા વિભાગમાં વરસાદી પાણીના નિકાલ માટેની મુખ્ય કાંસની સફાઈ કરવામાં આવી રહી છે. આ કાંસમાં અનસ મોટર્સ પારોની, સ્ટેશન વિસ્તારની, કંકુ તળાવ વિસ્તારની, સંજય નગર વિસ્તારની નાની કાંસનો સમાવેશ થાય છે.
વધુમાં, ટીચર્સ સોસાયટી નજીકની કાંસ અને હસ્તી તળાવથી ગાયત્રી મંદિર થઈને આંબાવાડી વિસ્તાર સુધીની મુખ્ય કાંસની સફાઈ પણ ચાલી રહી છે. સાથે જ નગર સેવા સદને શહેરના જર્જરિત મકાનોનો સર્વે શરૂ કર્યો છે. સર્વે પૂર્ણ થયા બાદ જોખમી મિલકતોને તોડી પાડવા માટે માલિકોને નોટિસ આપવામાં આવશે.

