વલસાડ: સામાન્ય રીતે લોકો પોતાના જીવનના ખુશીની ક્ષણોને કેક કાપીને, પાર્ટી કરીને કે વિવિધ ભેટ આપી ઉજવે છે. પરંતુ વલસાડના એન. આર. રાઉત સાર્વજનિક માધ્યમિક શાળાના આચાર્ય શ્રી વિનોદ કુમાર રાઉતે પોતાના જીવનની મહત્વપૂર્ણ ખુશી – દીકરીના ધોરણ 10 માંના ઉત્કૃષ્ટ પરિણામની ઉજવણી એક ખૂબ જ અનોખી અને સંવેદનશીલ રીતે કરી છે.
વિનોદભાઈની દીકરી ગ્રેસી વિનોદ કુમાર રાઉતે શેઠ આર. જે. જે. સ્કૂલ, વલસાડ (ઇંગ્લિશ મીડિયમ) માં ધોરણ 10 ની બોર્ડ પરીક્ષામાં 92.17 ટકા મેળવી પરિવારનું ગૌરવ વધાર્યું છે. આ મોસમમાં જ્યારે અસંખ્ય વિદ્યાર્થીઓ માટે પરિણામના દિવસો તણાવભર્યા હોય છે, ત્યારે ગ્રેસીનું આ પરિણામ માત્ર તેમના પરિવાર માટે નહિ પણ સમગ્ર શાળાએ માટે પણ ગૌરવની લાગણી આપી ગયું છે. આ અનોખી સફળતાની ઉજવણી માટે વિનોદભાઈએ એક નવી દિશા દાખવી છે. તેમને રક્તદાન કેન્દ્ર પર જઈ પોતે તથા પરિવાર સાથે મળીને રક્તદાન કર્યું. તેમનો મતો છે કે, “સફળતાની ઉજવણી એવામાં થવી જોઈએ કે જેમાં અન્યને જીવન મળે.”
વિનોદભાઈ વારંવાર રક્તદાન કરતાં રહે છે અને આ sevabhavi પ્રવૃત્તિમાં હંમેશા અગ્રેસર રહે છે. પણ આ પ્રસંગે તેમણે પોતાનું દર્દ પણ વ્યક્ત કર્યું કે સમાજમાં એવી અનેક ઘટનાઓ જોવા મળે છે જ્યાં સમયસર રક્ત ન મળવાને કારણે જીવ ગુમાવવો પડે છે. આવી સ્થિતિમાં જો આપણે દરેક ખુશીના પ્રસંગે એકવાર રક્તદાન કરીએ, તો ઘણાબધા જીવન બચાવી શકાય.
આ કૃત્યથી તેમણે માત્ર પોતાની દીકરીની સફળતાની ઉજવણી નથી કરી, પણ સમાજ માટે એક નવો સંદેશો પણ આપ્યો છે – કે ખુશીનો અર્થ માત્ર જાતસુખ નહિ, પણ પરહિત માટેનું આયોજન પણ હોઈ શકે. તેમના દ્વારા કરાયેલ રક્તદાનથી ત્રણ અલગ અલગ વ્યક્તિઓના જીવનમાં નવી આશા જગાવી છે.વિનોદભાઈના આ એક પગલાએ સમાજમાં એક નવા વિચારોની રચના કરી છે. તેમના જેવા શિક્ષકો અને પિતાઓ આપણને જીવનના સાચા મૂલ્યો શીખવે છે – સેવા, સમર્પણ અને સજ્જનતાનું જીવંત ઉદાહરણ બની રહ્યા છે

