ચીખલી: ચીખલીની સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં રૂ. 1.64કરોડની ઉચાપતનો ગુનો નોંધાયાના એક મહિના બાદ પોલીસે બીજા એક આરોપીની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. ધરપકડ કરાયેલા આરોપી વર્ષ 2018 થી 2024 દરમિયાન રૂમલા સીએચસીમાં કરાર આધારિત ફરજ બજાવતો હતો. તે દરમિયાન ચીખલી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં સતિષ ભોયે સાથે મિત્રતા થઈ હતી.
Decision News ને મળેલી માહિતી અનુસાર ચીખલી સબ ડિસ્ટ્રિકટ હોસ્પિટલમાં આઉસોર્સિંગના કર્મચારીઓના પગાર તથા એજન્સીના ડુપ્લીકેટ બિલો બનાવી વર્ષ 2021 થી 2025 દરમિયાન કરાર આધારિત જુનિયર ક્લાર્ક સતિષ છનાભાઈ ભોંયે (રહે. માંડવખડક, તા. ચીખલી) દ્વારા રૂ. 1.64 કરોડની ઉચાપત કરી હોવાનું બહાર આવતા પોલીસે ગુનો નોંધી તેની ધરપકડ કરી રિમાન્ડ મેળવી તપાસ હાથ ધરી હતી. બીજી તરફ અધિક્ષક સહિતના અધિકારીઓ કર્મચારીઓના નિવેદન લઈ તપાસ હાથ ધરી હતી.
તપાસ દરમિયાન વર્ષ 2018થી 2024 દરમિયાન રૂમલા સામુહિક આરોગ્ય કેન્દ્રમાં આઉટસોર્સિંગના કર્મચારી તરીકે ફરજ બજાવનાર વિમલ મહેન્દ્રભાઈ પાડવી (ઉ. વ. 29, રહે, બરડીપાડા તા. ચીખલી) ના બેન્ક ખાતામાં અંદાજે 8 થી 9 લાખ રૂપિયાનું ટ્રાન્જેકશન થયું હોવાનું બહાર આવતાં પોલીસે તેની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ હાથ ધરી હતી. આ આરોપી બિલ આપવા આવતો હતો ત્યારે ચીખલી હોસ્પિટલના સ્ટાફ સાથે ઓળખાણ થઈ હતી.











