ધરમપુર: હાલમાં વલસાડમાં તોફાની પવન સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે ધરમપુર તાલુકામાં સિંદૂમ્બર ગામમાં ઘર જમીનદોસ્ત થયાની ઘટના પ્રકાશમાં આવી હતી જેમાં પરિવારના પાચ સભ્યોનો ચમત્કારિક આબાદ બચાવ થયો હતો.

ધરમપુર તાલુકામાં તોફાની પવન સાથે પડેલા ધોધમાર વરસાદને કારણે સિંદૂબર ગામના ભટાડી ફળિયામાં એક મકાન ધરાશાયી થઈ જતા, પરિવારના સભ્યોનો આબાદ બચાવ થયો હતો. સિંદૂમ્બર ગામના ભટાડી ફળિયામાં રહેતા છનાભાઈ નવશુ ભાઈ પાડવી સહિત તેમના પરિવારના સભ્યો જમ્યા બાદ બાજુના ઘરે બેસેલા હતા તે સમયે ધોધમાર વરસાદ વરસી રહ્યો હતો. એવામાં ભારે પવન અને વરસાદ વચ્ચે અચાનક તેમનું ઘર પત્તાના મહેલની માફક ધડામ થઈને તૂટી પડયુ હતું. આ ઘટનાની જાણ થતાં જ ધર્મપુરના ધારાસભ્યએ ઘરના પરિવારના સભ્યોની મુલાકાત લીધી હતી અને તેમને સાંત્વના આપી હતી.

ઘટનામાં ઘરના સભ્યો બાજુના ઘરે હોવાથી તમામનો ચમત્કારિક બચાવ થયો હતો. ઘટનાને પગલે એક અલ્ટો કાર, એક બાઈક ઘરમાં દબાઈ ગઈ હતી, દબાઈયેલી અલ્ટો કાર અને બાઈક માં ઘણું નુકસાન થયું હતું સાથે ઘરમાં મુકેલા કબાટ,, લાકડાં, ઘરવખરીનો તમામ સામાન, અનાજ સહિત તમામ સામાન નાશ પામી ગયો હતો. ઘટનાને પગલે દોડી આવેલા પાડોશીઓએ ઘરમાં મુકેલો સામાન બચાવવાનો પ્રયત્ન કર્યો હતો ઘટના અંગે ઘરના સભ્ય દ્વારા ગામના સરપંચને જાણ કરી હતી ગ્રામજનોએ, રાતોરાત રસ્તા પર આવી ગયેલા પરિવારને મળવાપાત્ર સરકારી સહાય તાત્કાલિક મળે તેવી માંગણી કરી છે.