નવસારી: કમોસમી માવઠાએ રાજયના અનેક વિસ્તારોમાં ભારે તારાજી સર્જી છે.ખેડૂતો અને ગરીબ લોકોનું ભારે નુકસાન થતાં પાયમાલ બન્યા છે. ઠેકઠેકાણે વૃક્ષો, હોર્ડિંગ્સ, છાપરાઓ વીજલાઇન પર પડવાને કારણે વિજકાપ, રસ્તાબંધ અને હાલાકી, લાચારીના દ્રશ્યો જોવા મળ્યા હતાં.

આ નુકશાનને લઈને સમસ્ત આદિવાસી સમાજની નવસારીના ટીમના 100 થી વધારે સભ્યોએ ઇમેઈલ કરીને મુખ્યમંત્રી અને દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લા કલેકટરોને પીડિતોને તાત્કાલિક વળતર ચૂકવવા માંગ કરી હતી. આ બાબતે ડો.નિરવ ભુલાભાઇ પટેલ, પ્રમુખશ્રી, સમસ્ત આદિવાસી સમાજ, નવસારી જિલ્લા તેમજ ભૂતપૂર્વ પ્રમુખશ્રી, ઇન્ડિયન મેડિકલ એસોસિએશન, વલસાડ દ્વારા મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યું હતું કે સૌ પ્રથમ તો તમામ દેશવાસીઓને કાયમી દેશવીરોધી દુશ્મન દેશ પાકિસ્તાનને મુહતોડ જવાબ આપવાની શરૂઆત કરવા બદલ સરકાર અને સૈન્યને આનંદસહ અભિનંદન કે નિર્દોષ 28 નાગરિકોના પરિવાર અને આપણા જેવા તમામ દેશવાસીઓના દુઃખભર્યા હૃદયને શીતળ શાતા મળી છે.પણ સાથે આપને લાગણીશીલ અપીલ કરતા એ પણ જણાવ્યે છીએ કે ભારતે કરેલી સ્ટ્રાઇક ઉપરાંત અંગત સ્વાર્થ માટે પર્યાવરણને સતત નુકસાન કરી રહેલ કાળા માથા માનવીથી ગુસ્સે ભરાયેલ કુદરતે રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ સાથે વાવાઝોડાની સ્ટ્રાઇક કરતા અનેક ગરીબ પરિવારો પતરા-નળીયા ઉડી ગયા તો કેટલાક ઠેકાણે આગજની અને કેટલાંક ઠેકાણે ઘર પણ તૂટી પડ્યા અને તમામ ખેડૂતોના ખાસ કરીને કેરીના પાકને વ્યાપક નુકસાન થતાં તમામ ગરીબ પરિવારો અને ખેડૂતોને રાતા પાણીએ રડવાની કરુણ નોબત આવીને ઉભી રહી ગઈ છે.ઘણી જગ્યાએ તારાજીના દ્રશ્યો અને લોકોની આંખોના આંસુઓ જોઈને હૃદય વિચલિત બન્યું છે.

માટે અન્ય દેશવાસીઓની માફક ગુજરાતની નુકસાન પીડિત જનતા પણ કેન્દ્ર સરકાર અને સૈન્યએ મળીને પાકિસ્તાનને સબક શીખવાડ્યાની ખુશીઓ મેળવી શકે તે માટે સરકારી એજન્સીઓ પાસે તાત્કાલિક ધોરણે સર્વે કરાવીને તાત્કાલિક જેટલું નુકસાન થયેલું હોય તેટલી સહાય આપવામાં આવે એવી અમારી માંગ છે.