વલસાડ: વલસાડ સખી વન સ્ટોપ સેન્ટરે એક માનસિક અસ્વસ્થ મહિલાને તેના પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું છે. ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન દ્વારા ૨૫મી એપ્રિલ ૨૦૨૫ના રોજ આ મહિલાને સેન્ટર પર લાવવામાં આવી હતી. મહિલા માત્ર મરાઠી ભાષા જાણતી હતી અને તેના નામ અને વિક્રમગઢ જિલ્લા સિવાય કોઈ માહિતી આપી શકતી ન હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર સેન્ટરે તેને તાત્કાલિક આશ્રય અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પૂરી પાડી. માનસિક સ્થિતિને ધ્યાનમાં રાખીને તેને સાયકિયાટ્રી ઓપીડીમાં લઈ જવામાં આવી અને સારવાર શરૂ કરવામાં આવી. સેન્ટરના કર્મચારીઓએ વિક્રમગઢ પોલીસ સ્ટેશન સહિત પાલઘરના વિવિધ પોલીસ સ્ટેશનોનો સંપર્ક કર્યો. ૨૯મી એપ્રિલે વિક્રમગઢ પોલીસ સ્ટેશન દ્વારા મહિલાના પરિવારનો સંપર્ક થયો.

મહિલાનો ફોટો અને માહિતી મોકલ્યા બાદ તેના પતિએ ઓળખ કરી અને તે જ દિવસે સાંજે 4:15 વાગ્યે સેન્ટર પર આવી પહોંચ્યા. યોગ્ય ઓળખ ચકાસણી બાદ મહિલાનું તેના પતિ સાથે મિલન કરાવવામાં આવ્યું. પતિએ સેન્ટરનો આભાર માની તેમની પત્નીને ઘરે લઈ ગયા. સખી વન સ્ટોપ સેન્ટર મહિલાઓને તબીબી સહાય, કાયદાકીય સહાય, પોલીસ સહાય, કાઉન્સેલિંગ અને હંગામી આશ્રય જેવી વિવિધ સેવાઓ પૂરી પાડે છે.