આહવા: આહવા તાલુકાની વિભાજન પામેલી કડમાળ ગ્રામ પંચાયતમાં મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની આશંકા સેવાઈ રહી છે. પ્રાપ્ત માહિતી અનુસાર, વહીવટદાર હસ્તક ચાલતી આ ગ્રામ પંચાયતમાં જમીન લેવલિંગના કામમાં ગંભીર ગેરરીતિઓ આચરવામાં આવી છે.

સૂત્રોના જણાવ્યા અનુસાર, જોબ કાર્ડ ધરાવતા મજૂરો કે જેઓ બહારગામ કામે ગયેલા છે, તેમની ખોટી હાજરી પૂરવામાં આવી રહી છે. બીજી તરફ, જમીન લેવલિંગનું કામ JCB મશીન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે મશીનથી કામગીરી થતી હોવા છતાં, કાગળ પર મજૂરોની હાજરી દર્શાવવામાં આવી રહી છે, જેના કારણે મોટા પાયે ભ્રષ્ટાચાર આચરવામાં આવી રહ્યો હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. લોકોમાં એ વાતની ચર્ચા ચાલી રહી છે કે કડમાળ ગ્રામ પંચાયતમાં આ ભ્રષ્ટાચાર કોના આશીર્વાદથી ચાલી રહ્યો છે?

વધુમાં, વર્ષ 2024-25ના જમીન લેવલિંગના કામમાં મોટાભાગના લાભાર્થીઓ થોરપડા ગામના ખેડૂતોને જ સમાવિષ્ટ કરવામાં આવ્યા છે. આ બાબતને લઈને પણ લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે કે શું ભ્રષ્ટાચાર આચરવા માટે થોરપડામાં જ મોકળું મેદાન મળી રહ્યું છે?

ત્યારે એ સવાલ ઉઠી રહ્યો છે કે શું કડમાળ ગ્રામ પંચાયતના કામોનો ઠેકો લેનાર પિંટયાભાઈ ગાયકવાડ સામે કોઈ અધિકારીઓનું જોર નથી ચાલતું? કે પછી તેઓને ગામ લોકોના વિકાસના કામોમાં કોઈ રસ નથી? આ બાબત લોકોની સમજની બહાર છે.

હવે જોવાનું એ રહે છે કે તાલુકા વિકાસ અધિકારી (TDO) સાહેબ વહીવટદાર સહિત આ કૌભાંડમાં સંડોવાયેલા એજન્ટોના નામ ખુલ્લા પાડીને તેમની સામે કોઈ નક્કર પગલાં લે છે કે પછી ગ્રામ પંચાયતની ચૂંટણી આવે ત્યાં સુધી ભ્રષ્ટાચારનો આ સિલસિલો યથાવત રહે છે. આ બાબત હાલમાં લોકોમાં ચર્ચાનો વિષય બની છે.