ભરૂચ: ભરૂચના પૂર્વ પટ્ટી પર આવેલાં શુકલતીર્થ, ઝનોર, મંગલેશ્વર, અંગારેશ્વર સહિતના ગામોમાં આવેલી રેતીની લીઝોમાંથી નીકળતી ટ્રકો બેફામ દોડતી હોવાથી અકસ્માતના બનાવો વધી રહયાં છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર સોમવારના રોજ બપોરના 3 કલાકે બે ટ્રક સામસામે ભટકાતા અકસ્માત સર્જાયો હતો જો કે આ અકસ્માતમાં બંને ટ્રકના ડ્રાઇવરોનો બચાવ થયો હતો. ભરૂચ ની પૂર્વપટ્ટી ઉપર આવેલ તવરા, કડોદ, શુકલતીર્થ જેવા ગ્રામ્ય વિસ્તારોના નદી કિનારેથી રોજની હજારો ટન રેતીનું ખનન થતું હોવાથી 24 કલાકમાં 500 થી 700 ટ્રકોની અવરજવર રહેતી હોય છે.

ઝાડેશ્વર ચોકડીથી લઈ ઝનોર સુધીના લગભગ 22 થી 25 ગામના લોકો આ મુખ્ય માર્ગનો ઉપયોગ કરતા હોય છે ત્યારે તેમના જીવના માથે જોખમ ઉભું થયું છે. સોમવારે બપોરે થયેલાં અકસ્માત બાદ આખો રસ્તો બ્લોક થઇ જતાં બંને તરફ 5 કિમી સુધી વાહનોની કતાર લાગી ગઇ હતી. રેતી ભરેલી ટ્રકોના ડ્રાઇવરો નશાની હાલતમાં વાહનો ચલાવતાં હોવાની પણ વ્યાપક ફરિયાદો ઉઠી છે.