રાજપીપળા: 6 વર્ષ પહેલા જ બાંધવામાં આવેલ અને પાંચ ગામના લોકોને પાંચ કિ.મીનો ફેરો ન કરવો પડે એવો રાજપીપળાથી રામગઢ કરજણ નદી ઉપરના પુલના બે પિલર જોખમી બનતા અનિશ્ચિત સમય માટે બંધ કરી દેવામાં આવ્યો છે.

પુલના બે પિલર નબળા પડ્યા છે અને પાયાને નુકસાન થતા આ પુલ કાર અને ભારદારી વાહનો માટે શનિવારથી અચોક્કસ મુદ્દત માટે બંધ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. 2018-19 માં કરજણ નદી ઉપર આ પુલ બંધાયો હતો. પરંતુ ત્રણ વર્ષમાં જ પુલ ખખડધજ બની ગયો છે. કરોડોના ખર્ચે બનાવેલ આ પુલ બનાવવામાં વપરાયેલી હલકી સામગ્રીના કારણે આ પરિણામ છે.

બે વર્ષ પહેલા ચોમાસા દરમિયાન પુલના એક પિલરને નુકસાન થયુ હતું. દરમિયાન ગત ચોમાસામાં બીજા પિલરને પણ નુકસાન થયુ હતું. હવે આ પુલની ચકાસણી દરમિયાન પાયા પણ ખોખલા બની ગયા હોવાનું બહાર આવ્યુ છે. પુલનાં બે પાયા ને બે બ્લોક તોડી રિપેરીંગ કરવા માટે રાજ્ય સરકાર 7 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે.