ધરમપુર: ધરમપુર નગરપાલિકાએ નદી તથા કુવાઓમાં પાણીના શ્રોત ખૂટી જતા પાલિકા વિસ્તારમાં બેના સ્થાને એક સમયે પાણી આપવાની જાહેરાત કરી છે. પાલિકા વિસ્તારમાં બામટી નદીમાં સ્થિત કૂવો જર્જરિત થતા તેમજ કુરગામની નદી તેમજ રાજમહેલ રોડ,નગારિયા, હનુમાન ફળિયું અને હાથીખાના વિસ્તારમાં આવેલા કુવામાંથી આપવામાં આવતા પાણીના શ્રીત ઓછા થતા માઇક ફેરવી સવારે એક સમય પાણી આપવાની જાહેરાત કરી છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર બામટી માન નદીમાં સ્થિત જર્જરિત થયેલા વર્ષો જુના કુવાને દૂર કરી ઉંડાઇ સાથે નવો કૂવો બનાવવા પાલિકાએ કામગીરી હાથ ધરી છે. ધરમપુર નગરના છ વોર્ડના આશરે 4000થી 4500 નળ જોડાણમાં ખૂટેલા જળ શ્રોતને લઈ એક ટાઈમ પાણી આપવાની જાહેરાત કરાઈ હોવાની માહિતી મળી છે. ધરમપુર પાલિકાના વારીગૃહના ક્લાર્ક સાજીદ દાઉદીએ કહ્યું હતું કે બામટી તથા કુરગામ નદીમાંથી રોજ સવાર અને બપોરે 25 લાખ લીટર મળી કુલ 50 લાખ લીટર પાણી ફિલ્ટર કરી નગરમાં આપવામાં આવતું હોય છે.

પરંતુ ઓછા થયેલા જળ શ્રોતને લઈ એક ટાઈમ પાણી આપવાની જાહેરાત કરી નગરજનો પાસે સહકાર માંગવામાં આવ્યી છે. વધુમાં તેમણે કહ્યું હતું કે પાણીની આવક સામે જીવક વધુ હોવાથીસવારે એક ટાઈમ પાણી પુરવઠો આપવાની ફરજ પડી છે. જોકે પાલિકા વિસ્તારમાં જરૂર મુજબ પાણીના ટેન્કર મારફતે પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે એમ પણ તેમણે કહ્યું હતું.