સુરત: સુરત શહેરના ગોડાદરા વિસ્તારમાં આવેલા અંકુર એપાર્ટમેન્ટમાં એક આશ્ચર્યજનક ઘટના સામે આવી છે. મોડી રાત્રે અહીં એક અજાણ્યા યુવકે મહિલાના વસ્ત્રો ધારણ કરી બિલ્ડિંગના પાર્કિંગ વિસ્તારમાં પાર્ક કરેલી દસેક ટુ વ્હીલર વાહનોને આગ લગાવી દીધી હતી.

સ્થાનિક રહીશોના જણાવ્યા અનુસાર રાત્રે અચાનક આગ લાગવાની ઘટના જોઇને લોકોએ દોડી જઈ આગ ઓલવવાના પ્રયાસ કર્યા હતા. ફાયરબ્રિગેડ અને પોલીસને પણ આગની ઘટના અંગે જાણ કરી હતી. થોડી જ વારમાં આગ વકરી હતી. ફાયરબ્રિગેડના જવાનોએ ઘટનાસ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર સીસીટીવી ફૂટેજના આધારે એક યુવક મહિલાની જેમ સાડી પહેરીને બિલ્ડિંગના પાર્કિંગમાં પ્રવેશતા અને આગ લગાવતા જોવા મળ્યો છે. પોલીસે ફૂટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે. સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે, ઘટનાની તમામ માહિતી આપવામાં આવી હોવા છતાં પોલીસ દ્વારા કોઈ ઠોસ કાર્યવાહી કરવામાં આવી નથી. સ્થાનિક રહીશ વિનોદભાઇ પટેલે જણાવ્યું કે, આ અમારી સુરક્ષાનો સવાલ છે. જો આરોપીને ઝડપથી પકડવામાં નહીં આવે તો આવું ફરીથી બનવાની શક્યતા છે.