ચીખલી: આજરોજ ચીખલીના રાનકુવામાં શિક્ષક – શિક્ષિકાના મોતનો મામલો: શિક્ષકે મહિલા મિત્રની હત્યા કરી ખુદ આત્મહત્યા કરી હોવાનો પેનલ પોસ્ટમોર્ટમમાં ખુલાસો થયો છે. આ ઘટનાને લઈને મૃતક શિક્ષક સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
ચીખલી તાલુકાના રાનકુવામાં એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી. શિવ દર્શન સોસાયટીમાં રહેતા 45 વર્ષીય વિધવા શિક્ષિકા લતાબેન અને નિવૃત્ત શિક્ષક છોટુભાઈ પટેલ (63) મૃત અવસ્થામાં મળી આવ્યા હતા. સોમવારે સવારે બનેલી ઘટનામાં છોટુભાઈ પટેલ હોલમાં સીલિંગ પંખા સાથે ઓઢણીથી ફાંસો ખાધેલી હાલતમાં મળ્યા હતા. જ્યારે લતાબેન બેડરૂમના પેસેજમાં ઉલ્ટા મોઢે મૃત અવસ્થામાં મળ્યા હતા. ઘરનો મુખ્ય દરવાજો બંધ હોવાથી પોલીસે બારીની લોખંડની ગ્રીલ તોડીને પ્રવેશ કર્યો હતો.
લતાબેનના મૃતદેહના પેનલ પોસ્ટમોર્ટમમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસમાં જાણવા મળ્યું કે તેમની હત્યા ગળું દબાવીને કરવામાં આવી હતી. આ પછી પોલીસે મૃતક શિક્ષક છોટુભાઈ રણછોડભાઈ પટેલ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધ્યો છે. મહત્વનું છે કે, લતાબેનને મોઢાના ભાગે લોહી પણ નીકળ્યું હોય તેવામાં તેણીની હત્યા બાદ નિવૃત્ત શિક્ષકે પણ ફાંસો ખાઈ જીવન ટુંકાવ્યું હોવાનું અને પ્રેમ પ્રકરણનો કરુણ અંજામ આપ્યો હોવાની પણ અશંકા સાચી સાબિત થઈ છે. લતાબેન વર્ષ 2000માં થયા હતા અને છેલ્લા દસ વર્ષથી રાનકુવામાં રહેતા હતા. તેમનો પુત્ર હાલ એન્જિનિયરિંગનો અભ્યાસ કરે છે. લતાબેન અને છોટુભાઈ અગાઉ એક જ શાળામાં નોકરી કરતાં હતાં અને ત્યારથી પરિચયમાં હતા. છોટુભાઈ નિયમિત રીતે લતાબેનના ઘરે આવતા જતાં હતા. લતાબેન હાલમાં પ્રતાપનગરની પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઘટનાસ્થળે એકત્રિત થયા હતા. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

