ઉમરપાડા: આદિવાસી સમાજ પ્રકૃતિ સાથે જોડાયેલો છે અને લગ્ન-પ્રસંગ અનેરી ખુશીઓનો પ્રસંગ હોય છે ત્યારે તાજેતરમાં ઉમરપાડા તાલુકાના ટાવલ ગામ અને ડેડિયાપાડા તાલુકાના ચુલી ગામના આદિવાસી કુટુંબે અને અનોખો દાખલો બેસાડયો છે.

ગુજરાતમાં દહેજ આપવા-લેવાની કુપ્રથા પણ જોવા મળે છે. મજબૂર-લાચાર પિતાએ વર પક્ષને મોં માંગી રકમ અને ચીજ વસ્તુઓ આપવી પડતી હોય છે. ત્યારે સમાજને દીવા દાંડી બતાવતા હોય તેમ દક્ષિણ ગુજરાતના સુરત જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં આદિવાસી સમાજમાં ઘણા પરિવારો સમાજને દિશા ચીંધી રહ્યા છે. ડેડીયાપાડા તાલુકાના ચુલી ગામના વતની વિદેશીંગભાઈ રામસિંગભાઈ વસાવાની સુપુત્રી જશોદા તેમજ ઉમરપાડા તાલુકાના ટાવલ ગામના વતની ગુરજીભાઈના સુપુત્ર જિજ્ઞેશ એકબીજા સાથે પ્રેમસંબંધમાં જોડાયા હતા. ત્યારબાદ બંને પરિવારો દ્વારા રાજીખુશીથી ઉમરપાડા તાલુકાના ટાવલ ગામે દાવો રાખવામાં આવ્યો હતો. બંને પક્ષના ભાઈઓ-બહેનો, ગ્રામજનો તેમજ દાવો કરતા વડીલો, પંચોની સાક્ષીમાં કન્યાના પિતાએ ફક્ત નવ ગુલાબના ફૂલ દહેજ (દાવામાં) લઈને પોતાના પુત્રીને જમાઈના હાથમાં કન્યાદાન કર્યું હતું.

આદિવાસી સમાજમાં ઘણી વાર નવ આના કે રૂ. 9 લઈને કન્યાનું દાન કરવામાં આવે છે. ઉમરપાડા અને ડેડીયાપાડા તાલુકાના આદિવાસી પરિવારે માત્ર 9 ગુલાબના ફૂલ લઈને પોતાની પુત્રીને સાસરે વળાવી હતી. જેમાં વરપક્ષે પણ દહેજ વિના રાજીખુશીથી કન્યાઓને સ્વીકારી હતી.