ડાંગ: આદિવાસી સંગઠન ડાંગના જીગ્નેશ ભોયે કહ્યું કે, જે આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મ પાળે છે અને જે સાચા ખ્રિસ્તી છે તેઓ પોતાના દસ્તાવેજી પુરાવામાં ખ્રિસ્તી લખાવે. આ સાથે આદિવાસીઓની પરંપરા તથા સંસ્કૃતિને ખતમ કરવા માટે જે ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે તે બંધ કરવામાં આવે તેવી અમારી માંગ છે.
ડાંગ જિલ્લામાં ધર્માંતરણ થઈ રહ્યું હોવાના આક્ષેપો વચ્ચે સુબીર તાલુકાના જુન્નેર ગામે ખ્રિસ્તી સમાજ દ્વારા આયોજિત આત્મિક જાગૃતિ કાર્યક્રમમાં વિક્ષેપ પાડવાનો ઇરોદ રાખનાર હિન્દુ સંગઠનના 10 જેટલા કાર્યકરોને સુબીર પોલીસે અટકાયતમાં લેતા મામલો ગરમાયો હતો.
કલેક્ટરની પરવાનગી બાદ કાર્યક્રમ થાય છે : પોલીસ
નાયબ પોલીસ અધિક્ષક એસ.જી.પાટીલે જણાવ્યું કે, જુન્નેર ગામે ખ્રિસ્તી સભા હતી. જે કાર્યક્રમ માટે પરવાનગી માંગવામાં આવી હતી અને કલેકટરે આપી હતી. હિન્દુ સંગઠનના કેટલાક આગેવાનો વિરોધ કરવા પહોંચ્યા હતા. પોલીસે ૧૦ કાર્યકરોને અટકાવી અટક કરી હતી. પોલીસ દ્વારા આયોજકોને બોલાવીને પણ મીટીંગ કરવામાં આવી હતી અને કાર્યક્રમમાં ધર્મ પરિવર્તનને લગતી કોઈપણ ગેરકાયદેસરની પ્રવૃત્તિ ન કરવામાં આવે તે માટેની સુચના આપી હતી. તેમજ બહારથી જે વક્તાઓ આવ્યા છે તેના ઓળખના પુરાવા પણ રજૂ કર્યા હતા.

