ઉમરગામ: વલસાડ જિલ્લાના ઉમરગામના સોળસુંબા વિસ્તારમાં આવેલા નારાયણ પાર્ક સોસાયટીમાં આજે એક ગંભીર ઘટના સામે આવી છે. સોસાયટીના ઉઠા માળે આવેલા ફ્લેટ નંબર 604માં આગ લાગવાની ઘટના બની છે. ફ્લેટના માલિક જીગ્નેશ રાઠોડ અને તેમની પત્ની વહેલી સવારે નોકરી પર ગયા બાદ આ ઘટના બની હતી

Decision News ને મળેલી માહિતી અનુસાર થોડા કલાકો બાદ ફ્લેટમાંથી ધુમાડો નીકળતો જોઈને પડોશીઓએ તાત્કાલિક ઉમરગામ ફાયર ફાઇટર, સ્થાનિક અગ્રણીઓ અને ફ્લેટ માલિકને જાણ કરી હતી. ફાયર ટીમે ઘટનાસ્થળે પહોંચી બંધ ફ્લેટનો દરવાજો તોડ્યો હતો. એપાર્ટમેન્ટમાં ફાયર સેફ્ટીના સાધનો ન હોવાથી ફાયર ટીમે આજુબાજુના રહીશોના ફ્લેટમાંથી પાણી મેળવીને આગ પર કાબૂ મેળવ્યો હતો. પ્રાથમિક તપાસમાં શોર્ટ સર્કિટને કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.

મહત્વપૂર્ણ બાબત એ છે કે 3 વર્ષ પહેલા તમામ એપાર્ટમેન્ટ્સમાં ફાયર સેફ્ટી સિસ્ટમ લગાવવાની સૂચના આપવામાં આવી હતી. આમ છતાં, એપાર્ટમેન્ટના સંચાલકોએ આ સૂચનાની અવગણના કરી અને ફાયર NOC વગર જ એપાર્ટમેન્ટ ચલાવી રહ્યા છે. આ ઘટનાએ ઉમરગામ નગરપાલિકાની ફાયર NOC બાબતની ઉદાસીનતા પણ છતી કરી છે.