વ્યારા: વ્યારા નગરમાં આવેલા એપીએમસી માર્કેટમાં ફળોના રાજા કેરીનું આગમન શરૂ થઈ ગયું છે. વ્યારા માર્કેટ યાર્ડમાં પ્રથમ સપ્તાહમાં દિવસમાં 14,000 થી વધુ કિલો વિવિધ જાતની કેરીનું આગમન થતા વ્યારા માર્કેટમાં ચહલપહલ વધી ગઈ હતી.

Decision News ને મળેલી માહિતી અનુસાર વ્યારા નગરની વચ્ચોવચ આવેલ એપીએમસી માર્કેટમાં હાલ કેરીના આગમન થઈ ગયું છે. શરૂઆતના એક બે દિવસમાં ઓછી કેરીઓ આવી હતી પરંતુ શુક્રવારથી વ્યારા એપીએમસી માર્કેટમાં કેરીનું માર્કેટ એકદમ સારું થઈ ગયું છે. શુક્રવારે દિવસ દરમ્યાન 14 ટન કેરી અંદાજિત 14 હજાર કિલો વેચાવવા માટે આવી હતી. બીજી તરફ વેપારીઓ અને ખેડૂતો પણ ખરીદ વેચાણ માટે મોટી સંખ્યામાં એપીએમસી માર્કેટમાં આવી જતા ખેડૂતો અને વેપારીઓ બંનેને ફાયદો થઈ રહ્યો છે. માર્કેટમાં છૂટક ખરીદી કરવા આવતા લોકો પણ અથાણાંની કેરીઓની ખરીદી કરી રહ્યા છે.

શુક્રવારે વ્યારા એપીએમસી માર્કેટમાં અંદાજિત 14 ટન કેરીનું આગમન થયું હતું, જેમાં રાજાપુરી, કેસર, દેશી, ટોટાપુરી, દશેરી, લંગડો, હાફૂસ, બદામ નીલમ સહિત અન્ય કેરીઓ વેચાણ અર્થે આવી હતી. જેમાં 20 કિલો કેસરના અંદાજિત 1200થી 1400 રૂપિયા જ્યારે રાજીપૂરી કેરીના અંદાજિત 800થી 1000 રૂપિયા, ટોટાપુરી કેરીના 20 કિલોના અંદાજિત 800થી 1000 રૂપિયા જ્યારે હાફૂસ કરીને 20 કિલોના અંદાજે 1600 રૂપિયાનું વેચાણ થઈ રહ્યું હોવાનું વેપારીઓ પાસે જાણવા મળ્યું હતું.વ્યારા નગરની વચ્ચે આવેલા એપીએમસીમાં વ્યારા ગ્રામ્ય વિસ્તારના નાના ખેડૂતો સરળતાથી પોતાના ખેતરો અથવા ખેતરની પાળ પર વાવેલ આંબાઓની કેરીનો પાક વેચવા દૂર જવું પડતું નથી અથવા દલાલોનો સંપર્ક કરવો પડતો નથી. માર્કેટમાં આવી જઈ સરળતાથી કેરીઓ તાત્કાલિક વેચાણ થઈ જતું હોવાથી તેમના કેરીનો પાક રોકડીયો બની જાય છે.