દક્ષિણ ગુજરાત: વલસાડ જિલ્લાના વાતાવરણમાં આજે સવારથી જ પલટો જોવા મળ્યો હતો. આકાશ વાદળછાયું બન્યું હતું અને કેટલાક વિસ્તારોમાં, ખાસ કરીને મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલા ઉમરગામ અને તેની આસપાસના વિસ્તારોમાં વરસાદી છાંટા પડયા હતા. આ વરસાદી ઝાપટાને કારણે રસ્તાઓ ભીના થયા હતા અને ગરમી તથા ઉકળાટના માહોલમાંથી લોકોને થોડી રાહત મળી હતી. જોકે, આ કમોસમી વરસાદને કારણે કેરીના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, જેના કારણે ખેડૂતોમાં ચિંતા વ્યાપી છે.

Decision news ને મળેલી માહિતી મુજબ નવસારી જિલ્લાના વાતાવરણમાં પણ પલટો આવ્યો હતો. ખેરગામ તાલુકાના રૂમલા ગામ સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ પડયો હતો. આ કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. હાલ આંબા પર હજી કેરી બરાબર બેડવાની બાકી હોય તેવા સમયે પડેલા કમોસમી વરસાદે પાકની સ્થિતિ બગાડી છે. ખેડૂતોને ભય છે કે આ કમોસમી વરસાદથી ચીકુ અને આંબા પર ફળો ખરી પડવાનો અને તેમાં જીવાત લાગવાનો ભય છે.

અંબાલાલ પટેલના અનુમાન મુજબ: આગામી સમયમાં, ખાસ કરીને તા.30 એપ્રિલ થી 8 મે,2025 દરમિયાન રાજ્યના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ એટલે કે માવઠું વરસી શકે છે. અખાત્રીજ આસપાસના સમયગાળામાં પણ વરસાદની સંભાવના તેમણે વ્યક્ત કરી છે. આ માવઠા અને હવામાનના પલટાની અસર અમદાવાદ, વડોદરા, ગાંધીનગર અને સૌરાષ્ટ્ર જેવા વિસ્તારોમાં જોવા મળી શકે છે. આ વિસ્તારોના વાતાવરણમાં ફેરફાર થવાની સંભાવના છે. આ ઉપરાંત, અંબાલાલ પટેલે અરબ સાગરમાં એક સિસ્ટમ સક્રિય થવાની પણ આગાહી કરી છે. તેમના મતે, તા. 25 મે થી 4 જૂન, 2025 વચ્ચે અરબ સાગરમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાવાની સંભાવના છે.