વલસાડ: વિકાસનો ગુબ્બારો ફૂટ્યો એમ કહેતા લોકો કહે છે કે તીઘરા ગામે છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર બનેલ રસ્તા બાબતે કોઈ કાર્યવાહી નહી કરવામાં આવતા વલસાડ જિલ્લા વિકાસ અધિકારીને લેખિતમાં રજુઆત કરવામાં આવી હતી.

Decision news ને મળેલી માહિતી મુજબ તીઘરા પહાડ ફળીયાથી તણાબા અંબા માતાના મંદિર સુધીનો રસ્તો છેલ્લા કેટલાય વર્ષોથી બિસ્માર હાલતમાં રહેલ છે. એ માટે ગામના સામાજિક આગેવાન મુકેશભાઈ ઠાકોરભાઈ પટેલે સત્તાધીશો સમક્ષ વારંવાર રજુઆત કરવા છતાં લાંબા સમયથી કોઈ પરીણામ નહી મળતા મુકેશભાઈ પટેલે જિલ્લા વિકાસ અધિકારી,વલસાડને ફરિયાદ કરી જવાબદાર લોકોને રસ્તો બનાવડાવી આપવાનો આદેશ કરવા માંગ કરી હતી.

રજૂઆતમાં જણાવ્યા અનુસાર મુકેશભાઈ દ્વારા વારંવાર તંત્રને રજૂઆત કરવામાં આવી ચુકી છે,પરંતુ આ રસ્તો રાજકીય રાગદ્વેષ રાખીને અટકાવી રાખવામાં આવ્યો હોવાનો આક્ષેપ પણ મુકવામાં આવ્યો છે અને રાહદારીઓને ઝડપથી રાહત મળી રહે એ દિશામાં યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી હતી.હવે આવનારા દિવસોમાં તંત્ર આ બાબતે શુ કાર્યવાહી કરે તે જોવાનું રહ્યું.