ખેરગામ: ખેરગામના આછવણી ગ્રામપંચાયતના 2 રસ્તાઓમાં ગોબાચારી મળી આવતા ડો.નિરવ ભુલાભાઇ પટેલે રસ્તાના કામો કરનાર એજન્સી પલ્લવકુમાર જયેશભાઇ પટેલ દ્વારા સમગ્ર ખેરગામ તાલુકામાં કરવામાં આવેલ કામોની માહિતી માંગવામાં આવી છે.
ખેરગામ તાલુકાની આછવણી ગ્રામપંચાયતમાં છેલ્લા કેટલાય સમયથી ભ્રસ્ટાચારના મુદ્દે પસ્તાળ પડી રહી છે ત્યારે ફેબ્રુઆરી-માર્ચ 2023 દરમ્યાન પાસ કરવામાં આવેલ 2 રસ્તાઓ પૈકી પાણીખડક મેઈન રોડથી બાલુભાઈના ઘર તરફ જતાં રસ્તાના નામ પર 220000 રૂપિયાની ગ્રાન્ટ પાસ કરવામાં આવેલ,પરંતુ તારીખ 16/04/2025 ડો.નિરવ ભુલાભાઇ પટેલ દ્વારા સત્તાધીશોની હાજરીમાં કરવામાં આવેલ સ્થળ નિરીક્ષણમાં તપાસ કરતા રોડ જે બાલુભાઈના નામ પર રસ્તો બનાવવામાં આવેલ તે વ્યક્તિ સ્વ.દલપતસિંહ ખંડુસિંહ નીકળેલ અને બાલુભાઈ નામનું કોઈપણ વ્યક્તિનો સરકારી દસ્તાવેજ મળી આવેલ નહીં અને રસ્તા પર લગાવેલ માહિતી બોર્ડમાં રસ્તાની લંબાઈ,પહોળાઈ,ઊંચાઈ અને વૉરંટી તેમજ રસ્તો ખરાબ થાય તો કોની જવાબદારી રહેશે તે બાબતો છુપાવવામાં આવેલ હતી.રસ્તાની ગુણવતામાં શંકા જતાં ડામરની ક્વોલિટી ચકાસણી માટે કોન્ટ્રાકટર પલ્લવકુમાર જયેશભાઇ પટેલ પોતે આછવણી ગામમાં હાજર હોઈ વારંવાર બોલાવવા છતાં સ્થળ નિરીક્ષણ માટે હાજર રહેલ નહીં અને ફોન ઉપાડવાના બંધ કરી દિધેલ.ત્યારબાદ અન્ય બીજા રોડ નીચલી બેજઝરી ફળિયામાં પ્રવીણભાઈ તુળજીભાઈના ઘરથી મહેશભાઈ ખંડુભાઇના ઘરસુધી બનેલ રસ્તા જે બનેલ જ નહીં અને માત્ર મેઈન રોડથી પ્રવીણભાઈ તુળજીભાઈના ઘરસુધી 20-30 મિટર જેટલો જ રસ્તો બનાવી રૂપિયા 154882 જેટલી માતબર સરકારી રકમ ખીસામાં સેરવી લેવામાં આવેલ.
આ બાબતે મીડિયા સાથેની વાતચિતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે રસ્તો બનાવનાર પલ્લવકુમાર જયેશભાઇ પટેલ નામના કોન્ટ્રાકટરને અમે સ્થળ નિરીક્ષણ દરમ્યાન ગુણવતા ચકાસણી માટે વિવિધ પરિક્ષણો માટે બોલાવેલ પરંતુ બદઇરાદે દાદાગીરીપૂર્વક હાજર રહેલ.સ્થળ નિરીક્ષણ દરમ્યાન અમને એ પણ જાણવા મળેલ કે જે રસ્તાઓ બનાવવામાં આવેલ છે તેમાં કોન્ટ્રાકર પલ્લવના પરિવારજનો મોટા રાજકીય વગદાર હોવાથી નિયમોનુસાર ટેન્ડર પ્રક્રિયાનું પાલન કર્યા વગર જ વગનો ઉપયોગ કરી પલ્લવ દ્વારા બનાવી દેવામાં આવેલ અને સરકારી તિજોરીનું મસમોટું નુકસાન કરવામાં આવેલ.આવી રીતે પલ્લવ દ્વારા રાજકીય વગ વાપરી સમગ્ર ખેરગામ તાલુકામાં કેટલા રસ્તાઓ તેમજ અન્ય બાંધકામો કરવામાં આવેલ તેની માહિતી અમે તાલુકા પંચાયત પાસે માંગેલ છે અને તે તમામ સ્થળોનું અમે સ્થળ નિરીક્ષણ કરીશું કારણકે એ તમામ કામગીરીઓમાં ભ્રસ્ટાચાર આચરવામાં આવ્યો હોવાની અમને પ્રબળ આશંકા છે.
છેલ્લા 8 મહિના કરતા વધારે લાંબા સમયથી અમે રસ્તાઓ સંબંધી ફરિયાદ વિવિધ કચેરીઓમાં ફરિયાદ કરતા આવેલ પરંતુ યોગ્ય પરિણામ નહીં મળતા માનનીય મુખ્યમંત્રીશ્રીને ફરિયાદ કરતા સ્થળ નિરીક્ષણની મંજૂરી મળતા આ બે રસ્તાઓનો ભ્રસ્ટાચાર બહાર આવેલ છે. આવી જ રીતે આ કોન્ટ્રાકટર પલ્લવકુમાર જયેશભાઇ પટેલ દ્વારા કરવામાં આવેલ કામોની નિષ્પક્ષ તપાસ કરવામાં આવે તો અન્ય પણ મોટા ઘણા ભ્રસ્ટાચાર બહાર આવી શકે છે.હવે જોવાનું એ રહ્યું છે કે માનનીય મુખ્યમંત્રીશ્રી દ્વારા રાજયના ભ્રસ્ટાચારીઓ વિરુદ્ધ શરુ કરવામા આવેલ ઓપરેશન ગંગાજળમાં કેટલા ભ્રસ્ટ લોકો ધોવાશે ?

