અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી જીઆઇડીસી તરફ જતાં રસ્તાની કામગીરી ફરી એક વખત વિવાદમાં આવી છે. રસ્તાનું લેવલિંગ જાળવવામાં નહિ આવ્યું હોવાથી અકસ્માતો વધી જતાં નિર્દોષ લોકો હોસ્પિટલ ભેગા થઇ રહયાં છે. થોડા દિવસો પહેલાં બાઇક સવાર બે યુવાનને ઇજા પહોંચી હોવાની ઘટના બની હોવા છતાં કોઇ પગલાં ભરવામાં નહિ આવતાં વધુ એક સાયકલ સવાર આધેડને પગ ગુમાવી દેવાનો વારો આવ્યો છે.
છાશવારે થઇ રહેલાં અકસ્માતોના કારણે આસપાસ રહેલાં લોકોમાં રોષ ફેલાયો છે. કેવડિયામાં સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણ બાદ અંકલેશ્વરથી રાજપીપળા સુધીના માર્ગનું વિસ્તૃતિકરણ કરવામાં આવી રહયું છે. અંકલેશ્વરની રાજપીપળા ચોકડીથી રસ્તો બનાવવાનું કામ હાલ ચાલી રહયું છે. આ રસ્તાની કામગીરી ચાલુ થઇ ત્યારથી આસપાસના લોકો અનેક સમસ્યાઓનો સામનો કરી રહયાં છે. બંને સાઇડના રસ્તાનું લેવલિંગ નહિ જળવાતાં એક તરફનો રોડ ઉંચો જયારે બીજી તરફનો નીચો થઇ ગયો છે. આ ઉપરાંત રસ્તા પર રહેલાં કટના કારણે અકસ્માતો વધી ગયાં છે.
Decision News ને મળેલી માહિતી મુજબ આ માર્ગ પરથી પસાર થઇ રહેલાં 55 વર્ષીય આધેડને ટ્રકના ચાલકે ટકકર મારી હતી જેમાં તેમાં પગના ભાગે ગંભીર ઇજા પહોંચી હતી. ઇજાગ્રસ્તને સારવાર માટે સુરત ખસેડવામાં આવ્યાં હતાં જયાં તેમના બંને પગ કાપવાની તબીબોને ફરજ પડી હતી. આ માર્ગ પર અગાઉ પણ બાઇક સ્લીપ થઇ જતાં બે યુવાન ઘાયલ થયાં હતાં. રસ્તા બાબતે અનેક વખત રજૂઆતો કરવા છતાં કોઇ નકકર કાર્યવાહી કરવામાં આવતી નથી. કોન્ટ્રાક્ટરને પણ વારંવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં ઉડાઉ જવાબ આપવામાં આવી રહયાં છે.

