વલસાડ: બે દિવસ પહેલા વલસાડ તાલુકાના ગુંદલાવ ગામમાં નવનીતc(નિલમ) કાંતિલાલ પટેલની ચતુર્થ પુણ્યતિથિ નિમિત્તે નિલમસ્મૃતિ ફ્રી મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આસપાસના મોટી સંખ્યામાં દર્દીઓ ઉમટ્યા હતા.

ગુંદલાવ ગામના સેવાભાવી નિલમભાઈના નામે જાણીતાં નવનીતભાઈ પટેલનું કોરોના મહામારી દરમ્યાન મૃત્યુ થતાં એમના બહેન હેતલબેન અને વિકાસભાઈએ એમની સેવાનો વારસો ચાલુ રાખતાં દરવર્ષે નીલમભાઈની પુણ્યતિથિએ મેડિકલ કેમ્પ રાખી દર્દીઓને વિનામૂલ્યે સારવાર આપતાં આવેલ છે. આ વખતે ચતુર્થ પુણ્યતિથિએ વલસાડ ડોક્ટર્સ એસોસીએસનના ડો.નિરવ ભુલાભાઇ પટેલ, આઈએમએના પ્રમુખ ડો.નિશિથ પટેલ, હૃદયરોગ નિષ્ણાંત ડો.અકેન દેસાઈ, આંખના નિષ્ણાંત ડો.નીતિન પટેલ, અટગામના ડો.કાંતિભાઈ પટેલ, હાડકાના રોગોના નિષ્ણાંત ડો.સાગર પટેલ, સ્ત્રીરોગ નિષ્ણાંત ડો.પ્રતિચી માવાણી, બાળરોગ નિષ્ણાંત ડો.જીજ્ઞેશ ઠાકોર, ન્યુ્રોસર્જન ડો.હિમાંશુ પટેલ, ડો.રિષિકેશ વૈદ્ય, ફિઝિયોથેરાપીસ્ટ ડો.રૂહાની ટંડેલ સહિતના ઉપસ્થિત રહ્યા હતાં અને કેમ્પમાં 500 કરતા વધારે દર્દીઓની ચકાસણી કરવામાં આવી હતી.

જેમાં એક દર્દી ચકાસણી વખતે જ ઢળી પડતા ફરજ પરના તબિબ ડો.અકેન દેસાઈ અને ડો.નિશિથ પટેલ દ્વારા કાર્ડયોગ્રામ કરવામાં આવતા હાર્ટએટેકની અસર જણાતા તાત્કાલિક પ્રાથમિક સારવાર આપી દર્દીનો જીવ બચાવવામાં આવ્યો હતો. આ પ્રસંગે મીડિયા સાથેની વાતચીતમાં ડો.નિરવ ભુલાભાઇ પટેલે જણાવ્યું હતું કે જે રીતે નિલમ એક અનમોલ રત્ન હોય છે તે રીતે નીલમભાઈ પણ એક અનમોલ રત્ન હતાં તેથી જ તેમની સુવાસ તેમના ગેરહયાતીમાં પરિવારજનો હજુપણ ફેલાવી રહ્યા છે.દરેકે આમના જીવનમાંથી પ્રેરણા લઇ સારા કામો કરતા શીખવું જોઈએ.