ભરૂચ: ભરૂચના દહેજ બાયપાસ પરથી કંપનીના કર્મચારીઓને લઇ જતી 500થી વધારે લકઝરી બસો પસાર થતી હોવાથી જીવલેણ અકસ્માતો થઇ રહયાં છે. મંગળવારે બપોરના સમયે એસઆરએફ કંપનીની લકઝરી બસે આગળ ચાલતી બાઇકને ટકકર મારી હતી. બાઇક પર સવાર દંપતી રોડ પર પટકાયાં બાદ પત્ની પર બસના તોતિંગ પૈડા ફરી વળતાં તેનું ઘટનાસ્થળે જ મોત નીપજયું હતું.
Decision News ને મળેલી માહિતી મુજબ ભરૂચના દહેજ બાયપાસ રોડ પર આવેલાં નંદેલાવ બ્રીજ પર મંગળવારે બપોરે 3 થી 4 વાગ્યાના અરસામાં કરૂણ અકસ્માત થયો હતો. જેમાં બાઈક પર જતા પતિ-પત્નીને પાછળથી આવતી લક્ઝરી બસે ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો ખાનગી બસનું ટાયર પત્ની ગજેરાબેન ગેમલસંગ ગોહિલ પર ફરી વળતા ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે પતિ ગેમલસંગને સામાન્ય ઈજાઓ પહોંચતા તાત્કાલિક સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
આ દંપતી જંબુસર તાલુકાના સંભા ગામના રહેવાસી છે અને તેઓ અંકલેશ્વરના અંદાડા ગામથી લગ્નમાં હાજરી આપી પરત ફરી રહ્યા હતા. ત્યારે બપોરના અંદાજે 3 થી 4 વાગ્યાના અરસામાં દહેજની એસઆરએફ કંપનીની કર્મચારીઓને લઈ જતી લક્ઝરી બસે બાઇકને ટક્કર મારતાં અકસ્માત સર્જાયો હતો. ત્યાર બાદ પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને બસ ચાલક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

