ડાંગ: ડાંગ જિલ્લાના નવનિયુક્ત કલેક્ટર શાલિની દુહાએ આહવા સિવિલ હોસ્પિટલની આકસ્મિક મુલાકાત લીધી. તેમણે હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અને દર્દીઓની સ્થિતિનો તાગ મેળવ્યો. આહવા સિવિલ હોસ્પિટલના ઇન્ચાર્જ આર.એમ.ઓ. ડો.એસ.બી. પવાર, અધિક્ષક ડો. મીતેશ કુનભી અને અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો. હિમાંશુ ગામિતે કલેક્ટરને માહિતી આપી.
Decision News ને મળેલી માહિતી મુજબ તેમણે હોસ્પિટલમાં કાર્યરત ડોક્ટર્સ, નર્સિંગ સ્ટાફ અને આરોગ્ય સેવાઓની વિગતવાર જાણકારી આપી. કલેક્ટરે હોસ્પિટલના વિવિધ વિભાગોની મુલાકાત લીધી. તેમાં ડાયાલિસીસ સેન્ટર, કે.એમ.સી. રૂમ, ઇમર્જન્સી વૉર્ડ, બાળ વૉર્ડ, મહિલા વૉર્ડ અને પુરુષ વૉર્ડનો સમાવેશ થાય છે.
તેમણે બાલ સંજીવની કેન્દ્ર (ન્યુટ્રિશન રિહેબિલિટેશન સેન્ટર)ની પણ મુલાકાત લીધી. દર્દીઓને કોઈ મુશ્કેલી ન પડે અને તમામ આવશ્યક સેવાઓ મળી રહે તે માટે કલેક્ટરે સત્તાધિકારીઓને યોગ્ય સૂચનાઓ આપી. તેમણે દર્દીઓ સાથે વાતચીત કરી અને હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ વિશે વિગતવાર માહિતી મેળવી.

