સોનગઢ: સોનગઢથી ઉકાઈ જતા રસ્તે વાંકવેલ નજીક આવેલા બે રસ્તા પર સર્કલ બનાવવાની માગ સ્થાનિક લોકો દ્વારા લાંબા સમયથી કરવામાં આવી રહી છે. આ સ્થળે ઉકાઈ તરફથી આવતાં વાહનો સોનગઢ તરફ વળતાં અકસ્માતનો ભય રહે છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર ખાસ કરીને બાઇક ચાલકો માટે. સોનગઢ ના દેવજીપૂરા ચાર રસ્તાથી વાંકવેલ સુધીનો રસ્તો હાલ ડબલ બનાવવામાં આવ્યો છે, જ્યાં રાખ અને રેતી ભરેલી ઓવરલોડ ટ્રકો ઝડપથી દોડે છે. આ ટ્રકો જૂના ચેકપોસ્ટ તરફ વળતી હોય છે, જ્યારે ઉકાઈથી આવતી ટ્રકો ઢોળાવ પર પૂરઝડપે પસાર થાય છે, જેના કારણે રોડ ક્રોસ કરતાં બાઇક ચાલકો માટે જોખમ વધે છે. આ સ્થળે ટ્રાફિકનું પ્રમાણ વધુ હોવાથી વાહનોની ગતિ નિયંત્રિત કરવા સર્કલની જરૂરિયાત છે, પરંતુ તંત્ર દ્વારા ધ્યાન આપવામાં આવતું નથી.

આ સંદર્ભે સોનઢ નગર પાલિકા કારોબારી અધ્યક્ષ હેતલભાઈ મહેતાએ જણાવ્યું કે, નગરપાલિકાએ ભૂતકાળમાં સર્કલ બનાવવાની તૈયારી કરી હતી, પરંતુ આ સ્થળ સ્ટેટ માર્ગ મકાન વિભાગના અધિકાર ક્ષેત્રમાં આવે છે અને તેમણે પરવાનગી આપી નથી. સ્થાનિકોનો આક્ષેપ છે કે, કરોડો રૂપિયા ખર્ચતું સ્ટેટ માર્ગ મકાન વિભાગ સર્કલ બનાવામાં આવતું નથી અને બનાવવા પણ દેતું નથી. આ સ્થિતિમાં અકસ્માત થાય તો તેની જવાબદારી કોની રહેશે. એવો સવાલ લોકો ઉઠાવી રહ્યા છે. સોનગઢ ઉકાઈ સ્ટેટ માર્ગ મકાન વિભાગ અને સ્થાનિક નગરપાલિકાને આ મુદ્દે તાકીદે નિર્ણય લઈ યોગ્ય સર્કલ બનાવવામાં આવે તેવી માગણી સ્થાનિકો દ્વારા કરવામાં આવી રહી છે.