નર્મદા: નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સરદાર પટેલ ઝુઓલોજી પાર્ક જંગલ સફારીમાં ઉનાળાની ગરમીથી પશુ-પક્ષીઓને રાહત આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 140 એકરમાં ફેલાયેલા આ જંગલ સફારીમાં 110 પ્રજાતિના કુલ 2000થી વધુ પશુ-પક્ષીઓ વસવાટ કરે છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર નર્મદા જિલ્લાના એકતાનગર ખાતે આવેલા સરદાર પટેલ ઝુઓલોજી પાર્ક જંગલ સફારીમાં ઉનાળાની ગરમીથી પશુ-પક્ષીઓને રાહત આપવા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. 140 એકરમાં ફેલાયેલા આ જંગલ સફારીમાં 110 પ્રજાતિના કુલ 2000થી વધુ પશુ-પક્ષીઓ વસવાટ કરે છે.જિલ્લામાં તાપમાનનો પારો 35થી 40 ડિગ્રી સુધી પહોંચતા પશુ-પક્ષીઓને ગરમીથી બચાવવા મેનેજમેન્ટે વિશેષ આયોજન કર્યું છે. તમામ પાંજરાઓમાં એર કન્ડિશનર અને કૂલરની વ્યવસ્થા કરવામાં આવી છે. વાતાવરણમાં ભેજ જળવાઈ રહે તે માટે વોટર સ્પ્રિંકલર અને ફુવારા મુકવામાં આવ્યા છે.
પશુ-પક્ષીઓના ડોમમાં પાણીના કુંડ બનાવવામાં આવ્યા છે. ઉનાળામાં તેમને વિશેષ આહારમાં પાણીદાર ફળો અને ઠંડા પદાર્થો આપવામાં આવી રહ્યા છે. જંગલ સફારીના મુખ્ય સંચાલક વિપુલ ચક્રવર્તીના જણાવ્યા અનુસાર, સમર પ્લાન અંતર્ગત પશુ-પક્ષીઓને અનુકૂળ વાતાવરણ પૂરું પાડવામાં આવી રહ્યું છે.આ જંગલ સફારીમાં 30 જેટલા રાજ્યો અને દેશોમાંથી લવાયેલા પશુ-પક્ષીઓનો સમાવેશ થાય છે. દરેક પ્રાણીની જરૂરિયાત મુજબ ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે જેથી તેઓ ગરમીની ઋતુમાં પણ સુવિધાપૂર્વક રહી શકે.

