નવસારી: નવસારી જિલ્લામાં માર્ચ-એપ્રિલ દરમિયાન તાપમાન 41 ડિગ્રી સુધી પહોંચતા આરોગ્ય વિભાગે એક્શનમાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલમાં હીટ વેવ વોર્ડની શરૂઆત કરવામાં આવી છે. રાજ્યના ગરમ જિલ્લાઓમાં સામેલ નવસારીમાં હીટ સ્ટ્રોકના કેસોને ધ્યાનમાં રાખીને આ પગલું લેવામાં આવ્યું છે. સિવિલ હોસ્પિટલના ત્રીજા માળે વિશેષ આઈસોલેશન વોર્ડ તૈયાર કરવામાં આવ્યો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર અહીં 24 કલાક ડોક્ટર, નર્સ અને જરૂરી દવાઓ-ઇન્જેક્શનની સુવિધા ઉપલબ્ધ રહેશે. OPD પાસે ORS કોર્નર પણ શરૂ કરવામાં આવ્યું છે. દર્દીઓ અને તેમના સગાઓને હાઈડ્રેશનની સમસ્યા ન થાય તે માટે આ વ્યવસ્થા કરવામાં આવી છે. જોકે, હજુ સુધી હીટ વેવનો એક પણ કેસ નોંધાયો નથી.સિવિલ હોસ્પિટલના રેસિડેન્ટ મેડિકલ ઓફિસર વિરેન્દ્રસિંહે જણાવ્યું કે બપોરે 12થી 3 વાગ્યા સુધી લોકોએ યોગ્ય સુરક્ષા વગર બહાર નીકળવાનું ટાળવું જોઈએ.
તેમણે શહેરીજનોને પૂરતું પાણી, છાસ અને અન્ય પીણાં લેવાની સલાહ આપી છે. આરોગ્ય વિભાગે રાજ્યના વિવિધ જિલ્લાઓને રેડ, ગ્રીન અને ચલો ઝોનમાં વર્ગીકૃત કર્યા છે. ઉનાળામાં જાહેરમાં કામ કરતા અથવા પ્રવાસ કરતા લોકોને હીટ સ્ટ્રોક થવાની શક્યતા વધારે રહે છે. આવા લોકોને તાત્કાલિક સારવાર મળી રહે તે માટે આ વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.

