ભરૂચ: ભરૂચની એબીસી ચોકડીથી શેરપુરા ગામ સુધી 420 કરોડથી વધુના ખર્ચે એલીવેટેડ કોરીડોર નિર્માણ પામી રહયો છે. આ કોરીડોર માટે પિલર્સ નંખાય ગયાં બાદ હવે તેના પર સ્ટ્રકચર બેસાડવામાં આવી રહયું છે. આ કામગીરી દરમિયાન શ્રમજીવીઓની સલામતી સાથે ખીલવાડ થતો હોવાની ઘટના સામે આવી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર આ પ્રોજેકટમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજયોના શ્રમજીવીઓ પણ કામ કરી રહયાં છે. કામદારો સેફ્ટીના સાધનો વગર 50 ફૂટ જેટલી ઉંચાઈ પર કોઇ પણ જાતના સુરક્ષા સાધનો વિના કામ કરતાં જોવા મળ્યાં હતાં. થોડા સમય પહેલાં જ ડિસાની ફટાકડાની ફેકટરીમાં થયેલાં વિસ્ફોટમાં 20થી વધારે કામદારોએ જીવ ગુમાવી દીધાં છે.ભરૂચ જિલ્લામાં પણ ઔદ્યોગિક અકસ્માતમાં અનેક લોક જીવ ગુમાવી ચુક્યાં છે. ભરૂચમાં કામદારો 50 ફૂટ ઉંચા પિઅર પર ચઢી જીવના જોખમે લોખંડના બિમ ભરી રહ્યાં છે.કાળઝરતી ગરમીમાં કામ કરતા શ્રમિક પરિવારોને વગર ટોપી, હેલ્મેટ અને સેફ્ટી સુઝ વગર કામ કરતા જોઈ માર્ગ પરથી પસાર થતા લોકો આશ્ચર્યમાં મુકાઈ રહ્યા છે.એક કામદારનો સંપર્ક સાધતાં જણાવ્યું હતું કેટલાક કારીગરોને કંપની તરફથી હેલ્મેટ આપવામાં આવી છે. આ બ્રિજ બનાવવાનું ટેન્ડર અજય ઇન્ફ્રાસ્ટ્રકચર નામની કંપનીનું મંજૂર થયું છે.
શ્રાવણ ચોકડી પાસે છેલ્લા 2 વર્ષ ઉપરાંતથી ફ્લાયઓવર બ્રિજની કામગીરી ચાલી રહી છે તેવામાં દિવસ અને રાત્રી દરમિયાન બસો અને ટ્રકોની અવરજવરથી સ્થાનિક રહીશો ત્રાહિમામ પોકાર્યા છે.ફ્લાયઓવરની કામગીરી પહેલા સર્વિસ રોડ બનાવ્યો નથી જેને લઈને લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે.ભરૂચથી દહેજને જોડતાં બાયપાસ રોડ પર વાહનોની સંખ્યામાં સતત વધારો થઇ રહયો છે. હાલ 60 હજાર કરતાં વધારે વાહનો પસાર થાય છે. આ બાયપાસ પર આવેલી ચાર ચોકડીઓ પરથી શહેરીજનોની અવરજવર રહેતી હોય છે. ભારદારી વાહનોની અવરજવરથી ટ્રાફિકજામ તથા અકસ્માતના બનાવો વધી રહયાં છે. ભારદારી વાહનો સીધા બ્રિજ પરથી પસાર થાય તે માટે એબીસી ચોકડીથી શેરપુરા સુધી 29 મીટર પહોળાઈ સાથે 3.4 કિલોમીટર લંબાઇનો એલીવેટેડ કોરીડોર બનાવવામાં આવી રહયો છે. આ કોરીડોરની 50 ટકા કામગીરી પૂરી થઈ ગઈ છે અને બાકી રહેતું કામ આગામી 31 માર્ચ 2026 સુધીમાં પુરૂ કરી દેવાનું આયોજન છે.











