સુરત: સુરત રાઇટ ટુ એજયુકેશન એકટ (આરટીઇ) હેઠળ ધોરણ 1 માં પ્રવેશનો પ્રથમ રાઉન્ડ આગામી 28 મી એપ્રિલને સોમવારના રોજ જાહેર કરવામાં આવશે. આ પહેલા જે વિદ્યાર્થીઓની અરજીઓ રીજેકટ કરાઇ છે તેવા સુરત શહેરના 1919 વિદ્યાર્થીઓને ફરીથી પુખ્તા પુરાવા સાથે ઓનલાઇન અરજી કરવા માટે ત્રણ દિવસની તક આપવામાં આવી છે.

રાઇટ ટુ એજયુકેશન એકટ હેઠળ  ધોરણ 1 માં વિનામૂલ્યે પ્રવેશ માટે સુરત શહેરની 994 સ્કુલોની 15229 બેઠકો માટે ફોર્મ ભરવાની પ્રકિયા સંપન્ન થતા જ કુલ 31470 ઓનલાઇન ફોર્મ ભરાયા હતા. જેમાંથી  5205 ફોર્મ કેન્સલ કરાયા હતા. અને 1919 ફોર્મ રીજેકટ થયા બાદ 24346 ફોર્મ મંજુર કરાયા હતા. આ ફોર્મ મંજુર થયા બાદ જેમની ઓનલાઇન અરજીઓ ડોકયુમેન્ટ અપલોડ નહીં કરવાના કારણે કે પછી પુરાવાઓ રજુ નહીં કરવાના કારણે રીજેકટ કરી દેવાઇ હતી તેવા વિદ્યાર્થીઓ માટે શિક્ષણ વિભાગે એક તક આપી છે.

જેમાં જે કારણોસર અરજી રીજેકટ કરાઇ છે તેના ડોકયુમેન્ટ અપલોડ કરીને આવતીકાલ સોમવારને તા.21થી23 એપ્રિલ સુધી ઓનલાઇન વેબ પોર્ટલ પર એપ્લીકેશન સબમીટ કરાવી શકશે. આ ત્રણ દિવસ જેમની અરજી રીજેકટ થઇ છે તેઓ ડોકયુમેન્ટ અપલોડ નહીં કરશે તો તેમની અરજીમાં કોઇ સુધારો કરવા માંગતા ના હોય તેમ માનીને અમાન્ય કરી દેવામાં આવશે. જિલ્લા શિક્ષણાધિકારીએ પણ તા.24એપ્રિલ સુધી આવેલી અરજીઓ ચકાસણી કરી  માન્ય કે અમાન્યનો નિર્ણય લેવાનો રહેશ. ત્યારબાદ 28 મી એપ્રિલના રોજ આરટીઇનો પ્રથમ રાઉન્ડ જાહેર કરવામાં આવશે.