વાપી: વાપી હાઇવે ગુંજન જીવનદીપ હોસ્પિટલ તરફના સર્વિસ માર્ગ અમુક હાઈ મસ્ટ લાટ બંધ હોવાથી વાહન ચાલકો અને રાહદારી લોકો ખુલ્લી ગટરમાં પડી રહ્યાં છે.રાત્રીના સમયે વાહન ચાલકો અંધારપટનો સામનો કરી રહ્યાં છે. જેના કારણે વાહન ચાલકોમાં સતત અકસ્માતનો ભય જોવા મળે છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર અગાઉ આ સ્થળે કાર, બાઈક અને લોકો પડી ચૂક્યા છે.છતા પણ નેશનલ હાઇવે ઓથોરિટી દ્વારા હાઈ મસ્ટ લાઈટો ચાલુ કરવાની તેમજ બીજી તરફ પાલિકાને ખુલ્લી ગટરને ઢાંકણા લગાવવા માટે સમય મળતો નથી.તંત્ર સમસ્યા હલ કરવામાં ઉદાસીન વલણ જોવા મળી રહ્યું છે.નેશનલ હાઇવે ઓથોરિટી અને સંબંધિત વિભાગ બંધ લાઇટો અને ખુલ્લી ગટરનો પ્રશ્ન ઉકેલે તેવી માગ ઉઠી રહી છે. તંત્ર તાત્કાલિક અસરકારક પગલાં ભરી સમસ્યા દૂર કરે તે જરૂરી છે.

વાપી નજીક બગવાડા ટોલનાકા પાસે મહિને કરોડો રૂપિયાનો ટોલટેક્સ વાહન ચાલકો પાસે ઉઘરાવામાં આવે છે, આમ છતાં વાહન ચાલકોને સુવિધા આપવામાં નેશનલ હાઇવે ઓથોરિટી નિષ્ફળ સાબિત થઇ રહ્યું છે.હાઇવે પર ખાડાઓ, ડ્રેનેજ લાઇટ,બાકી સર્વિસ રોડ, ડિવાઇડરો વચ્ચે સુકાતા વૃક્ષો સહિતની કોઈ ખાસ કામગીરી જોવા મળતી નથી. પરિણામે વાહન ચાલકોને નેશનલ હાઇવે ઓથોરિટી સામે સતત રોષ વધી રહ્યો છે.