ડાંગ: ગુજરાત રાજ્યનું ચેરાપુંજી ગણાતું ડાંગ જિલ્લામાં દર વર્ષે 100 ઇંચથી વધુ વરસાદ ખાબકે છે, પરંતુ વરસાદી પાણી રોકવા નક્કર કામગીરી કે યોગ્ય આયોજનના અભાવે પાણી નક્કામુ વહી જાય છે. જેના કારણે ચોમાસુ પૂર્ણ થતા જ જિલ્લામાં પીવાના પાણી સહીત ખેતી માટે પાણીની સમસ્યા સર્જાય છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર રાજ્યના છેવાડે આવેલા ડુંગરાળ પ્રદેશ એવા ડાંગ જીલ્લામાં સરકાર નાના ખેડૂતો અને સ્થાનિક લોકોની ચિંતા કરીને કરોડો રૂપિયાના ખર્ચે ચેકડેમો બનાવી આપે છે, જુદી જુદી યોજના થકી આજદિન સુધી આશરે 1200 જેટલા ચેક્ડોમો બનાવવામાં આવ્યા છે અને હજુ પણ કેટલાક ચેકડેમોના કામ ચાલુ છે, જોકે આ ચેકડેમો બનાવવામાં કોન્ટ્રાકટરો દ્વારા હલકી કક્ષાનું મટીરીયલ વાપરવામાં આવતા ચોમાસું આવતાજ ડેમો ધોવાઈ જાય છે અને પરિણામે સ્થાનિક લોકોએ પાણી માટે વલખા મારવા પડે છે અને ખેડૂતોને પીયત માટે પાણી ન મળતા ખેતીમાં નુકશાન વેઠવું પડે છે.એક અંદાજ મુજબ ડાંગ જીલ્લામાં 311 ગામો છે અને તેની સામે કુલ 1200 જેટલા ચેક ડેમો બનાવવામાં આવ્યા છે, જો આ ડેમો યોગ્ય રીતે બનવવામાં આવે તો આખો ડાંગ જીલ્લો પાણીમાં તરબોળ થઈ જાય, જોકે કમનશીબે ચોમાસા દરમિયાન પાણીથી છલોછલ આ ચેકડેમો ચોમાસુ જાય તરત જ ખાલી થઈ જાય અને અને જીલ્લામાં પાણીની તંગી જોવા મળે છે.
ડાંગ જિલ્લાની લોક માતાઓ અંબિકા, ખાપરી, પૂર્ણાના કેચમેન્ટ એરિયામાં આવેલ ચેકડેમો ખાલી ખમ થઈ જતા આદિવાસી ખેડૂતો સહીત પશુપાલકોને હાલાકી વેઠવાની નોબત ઉભી થઈ છે. ઉનાળું ખેતી કરતાં આદિવાસી ખેડૂતોને ઘઉં, ચણા, ડુંગળી, સહીતના પાક સુકાઈ જતા વ્યાપક નુકસાન થયું છે.હાલમાં ડાંગ જિલ્લામાં દમણગંગાવિભાગ દ્વારા ચેકડેમોની કામગીરી ચાલી રહી છે, કેટલીક જગ્યાએ ગેરરીતિની ફરિયાદો આવી હતી. તેની સંબધિત અધિકારીઓ સાથે સ્થળ મુલાકાત લઈ ગુણવત્તાયુક્ત કામગીરી કરવા સૂચનાઓ આપવામાં આવી છે. તેમજ અન્ય જગ્યાએ પણ કોઈ ગેરરીતિ ચાલતી હોય તો તેની સામે શિક્ષાત્મક પગલાં ભરવા તંત્રને આદેશ કર્યા છે.આહવાની તળેટી વિસ્તારમાં આવેલ બોરખલ ખાપરી નદીના પટમાં ચાલતા ચેકડેમ નિર્માણની કામગીરીમાં ઈજારદાર દ્વારા માસ્ક કોંક્રિટના બદલે પથ્થરો નાખી ગેરરીતિ કરતો હોવાની ફરિયાદો આવી હતી, જેને પગલે અમારી ટીમે સ્થળ તપાસ હાથ ધરી ચેકડેમનું બાંધકામ તોડાવી પથ્થરો બહાર કઢાવી કાર્યવાહી કરી છે.

