ચીખલી: ચીખલીના એડવોકેટ નોટરીની ખોટી સહી સિક્કા દ્વારા વિદેશ જવાના કામ અર્થે ખોટું સોગંદનામુ બનાવનાર વિઝાનું કામ કરતાં આલીપોર ના શખ્સની ચીખલી પોલીસ દ્વારા ધરપકડ કરી તેમની વિરુધ્ધ તપાસ હાથ ધરવામાં આવી છે.

Decision News ને મળેલી જાણકારી મુજબ ચીખલીમાં વકીલ અને નોટરીનું કામ કરતાં અને ફરિયાદી નલીનભાઈ ભાલચંદ્ર વૈદ્ય (રહે. નદી મહોલ્લા, તા. ચીખલી) ના નામની સહી સિક્કાવાળી એફિડેવિટની ઝેરોક્ષ નકલ ચીખલીના હરણગામ ના પાદર ફળિયાના મહમંદ સિદાદની પત્ની ઝૂલેખાબેન વિદેશના કામ માટે બીજી એફિડેવિટ છે તેમ જણાવતા બીજા વકીલો પાસે ફરતા હોવાનું તેમના ધ્યાનમાં આવ્યું હતું. તેમણે આ નકલ મેળવી તપાસ કરતા આ એફિડેવિટ તા. 29/08/2023 ના પહેલાં કરી હોય અને હાલ નવા એફિડેવિટની જરૂર હોય એ સમગ્ર હકીકત બહાર આવી હતી. આ મામલે ઝુલેખાબેનનો સંપર્ક કરી તેમને પૂછતાં લંડનમાં રહેતા દીકરા પાસે જવા માટે વિઝા એપ્લાય કરવાનું કામ કરતાં આલીપોરમાં રહેતા સોએબઅહમદ શબીરહુસેન સોંપ્યું હતું અને તેના દ્વારા જ આ એફિડેવિટ કરી અપાઈ હોવાનું જણાવ્યું હતું.

જોકે આ એફિડેવિટમાં એડવોકેટ નલીનભાઈ વૈદ્યના નામનો સહી તેમજ સિક્કો માર્યો હોય તેમજ લાલ કલરનું સ્ટીકર લગાવેલું ઉપરાંત રાઉન્ડશીલ તેમજ સિરિયલ નંબરનો સિક્કો તથા એફિડેવિટમાં જે સિરિયલ નંબર 3003 દર્શાવેલ તે પણ ખોટો હોવાનું બહાર આવ્યું હોવાની ફરિયાદમાં પોલીસે સોએબઅહમદ શબ્બીરહુસેન મન્સુર ( રહે. આલીપોર, લુહારવાડ, તા. ચીખલી) ની ધરપકડ કરી હતી. આ બનાવની પીએસઆઈ સમીર જે. કડીવાલા તપાસ કરી રહ્યા છે.