વલસાડ: મહારાષ્ટ્રના મુંબઇથી નિકળેલી કારના ચાલકે અચાનક કાબૂ ગુમાવી દેવાના પગલે વલસાડ પારનેરામાં રોડ પર ઉભેલી એક ટ્રક પાછળ ભટકાઇ ગઇ હતી. આ અકસ્માતમાં કારનો ખુરદો બોલાઇ ગયો હતો. જેમાં મુંબઇ રાજસ્થાની પરિવારની પૂત્રવઘુ અને તેણીની માસૂમ પૂત્રીના મોત થતાં ભારે ગમગીની ફેલાઇ ગઇ હતું. 4 વ્યક્તિઓને સારવાર માટે નજીકના હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર મહારાષ્ટ્રના મુંબઇ મીરા રોડ વેસ્ટ ખાતે મીરાં એપાર્ટમેન્ટમાં રહેતાં પ્રવિણભાઇ મિસ્ત્રી તથા તેમના 24 વર્ષીય પત્ની નેહાબેન મિસ્ત્રી, 14 મહિનાની તેમની પૂત્રી પિયુષા તથા પ્રવિણભાઇના પિતા ગોપાળભાઈ મિસ્ત્રી, હમીરાભાઈ મિસ્ત્રી મળી પરિવારના આ સભ્યો ગત મોડી રાત્રે મુંબઇથી રાજસ્થાન પોતાના વતન જેસલમેર ખાતે પ્રસંગમાં જવા માટે નિકળ્યા હતા.દરમિયાન તેઓ વલસાડ નેશનલ હાઇવે પર પારનેરા પાસેથી પસાર થઇ રહ્યા હતા ત્યારે મળસ્કે 5 વાગ્યાના સુમારે સુગર ફેક્ટરી પાસે રોડ સાઇડ પર એક ડમ્ફર પાર્ક કરાયેલું હતું તેની પાછળ ધડાકાભેર કાર ભટકાઇ જતાં અકસ્માત સર્જાયો હતો અને કારની પાછળ આવી રહેલું આઇશર ટેમ્પો પણ અથડાતા કારનો ખુરદો બોલાઇ ગયો હતો. આ ઘટનાના પગલે કાર સવાર 24 વર્ષીય નેહા અને તેમની દીકરી 14 માસની પિયુષાનું ગંભીર ઇજાઓ થવાના પગલે મોત થયુ હતું.
આસપાસના લોકોએ દોડી આવી અન્ય ચાર ઇજાગ્રસ્તોને પહોંચતાં સારવાર માટે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. આ ઘટનાને લઇ રૂરલ પોલીસે સ્થળ પર પહોંચી ટ્રાફિક સામાન્ય કરવા કાર્યવાહી હાથ ધરી હતી. વલસાડ જિલ્લામાં ઉમરગામથી લઈને વલસાડ સુધી હાઈવેના સર્વિસ માર્ગ ઉપર ગેરકાયદે રીતે ટ્રક અને ટેન્કર જેવા મોટા વાહનો પાર્ક કરી દેવાઈ છે. જેને લઈ જીવલેણ અકસ્માતો સર્જાતા રહે છે. આમ છતાં હાઈવે ટ્રાફિક પોલીસ આ ગંભીર બાબત મુદ્દે કોઈ કડક કાર્યવાહી કરતી નથી,વલસાડ નેશનલ હાઇવે ઉપર થયેલા આ ગમગીન ઘટનાને લઇ સ્થળ પર ઉઠેલી ચર્ચા મુજબ અકસ્માતના ઘણાં કારણો હોય શકે છે જેમાં એવી પણ સંભવિતતા દર્શાવાઇ રહી છે કે, મોટા વાહનચાલકો ગમે ત્યારે હાઇવે પર રોડની સાઇડ પર ભારે વાહનો ઉભા કરી દેતાં હોય છે. જેના કારણે મોડી રાત્રે હાઇવે પર આજૂબાજૂનું દશ્ય ધૂંધળુ નજરે પડતા હાઇવે પર ઉભા કરાયેલા કે પાર્ક કરેલા વાહનો સાથે અકસ્માત થવાના સંજોગો છાશવારે ઉદભવે છે. જેથી આ મુદે વાહનચાલકો નિયમોનું પાલન કરે તે ખુબ જરૂરી હોવાની ચર્ચા ચાલી હતી.

            
		








