વલસાડ: વલસાડ પાલિકાના વલસાડ પારડી વિસ્તારમાં છેવાડે આવેલા બરૂડિય વાડમાં ગજરીબેન ઉક્કડભાઇ માંગ ઉ.65 અને તેમના બહેન રામીબેન ઉક્કડભાઇ માંગ વ. 64 શ્રમ કરીને જીવન ગુજારતાં પરિવાર સાથે રહેતા હતા.આ બંન્ને વયસ્ક બહેનો લાંબા સમયથી બ્લડ પ્રેશરની બિમારીથી પીડાતા હતા.તેમની સારવાર અને દવા વલસાડ સિવિલ હોસ્પિટલમાં ચાલી રહી હતી.દ મિયાન શુક્રવારે આ બંન્ને બહેનો સિવિલમાં ડોકટરને બતાવવા માટે પ્લાસ્ટિકની થેલીમાં ફાઇલ લઇને પહોંચી હતી,જ્યાં ગજરીબેન ધીમે ધીમે લોબીમાંથી ચાલતા જઇ રહ્યા હતા ત્યારે અચાનક ચક્કર આવતાં દિવાલને ટેકો લઇ બેસી પડયા હતા.
Decision News ને મળેલી માહિતી અનુસાર બાદમાં તેઓ ભાનમાં જ આવ્યા નહિ અને જીવ છોડી દીધો હતો.સ્થળ પર હાજર લોકો તેણીને ઉંચકી વ્હીલ ચેર ઉપર બેસાડી તબીબ પાસે લઇ જતા હતા. ત્યારે દવા લેવા ગયેલા બીજી બહેન સામેથી આવી રહ્યા હતા ત્યારે વ્હીલ ચેર પર લઇ જવાતા આ બહેનનું આ દશ્ય જોઇ કઠોર આઘાતથી પણ સ્થળ પર જ ઢળી પડ્યા હતા.આ બંન્ને બહેનોને તબીબોએ ચેક કરતાં મૃત જાહેર કર્યા હતા.જેને લઇ શ્રમિક પરિવારમાં શોકની લાગણી ફરી વળી હતી.
વલસાડની બે સગી વૃધ્ધા બહેનોના કુદરતી મોત થવાના કારણે મરનારના પુત્ર અને પરિવારજનોને હોસ્પિટલના સીસીટીવી કેમેરામાં બનેલી ઘટનાના ફુટેજ દેખાડવામાં આવ્યા હતા.જ્યાં પરિવારજનોએ તેમના વડીલ બંન્ને વૃધ્ધાના કુદરતી મોતના દશ્યો નિહાળ્યા હતા.બાદમાં પોલીસને નિવેદન લખાવતા મૃતદેહો પરિવારને સુપરત કરાયા હતા.

