બીલીમોરા: બીલીમોરા નગરપાલિકા દ્વારા પાણીના સંગ્રહ માટે લાખોના ખર્ચે કરવા છતાં બીલીમોરા ધોબી તળાવ, સોમનાથ તળાવ અને જ્યુબિલી તળાવ પાછળ કરોડોનો ખર્ચ પણ પાણી સુકાઇ ગયા છે. સોમનાથ તળાવ બ્યુટીફિકેશન માં કરોડોના આંધણ બાદ તળાવ માટે મહત્વનું એવું પાણી જ સુકાયું છે ત્યારે પાલિકાના આયોજન સામે પ્રશ્નાર્થ સર્જાયો છે.બીલીમોરાના બે મહત્વના જળસ્રોત એવા ધોબી તળાવ અને સોમનાથ તળાવનું પાણી ઉનાળો શરૂ થવા સાથે જ સુકાઈ રહ્યાં છે. આકરો ઉનાળો હજુ શરૂ જ થયો છે ને ઘોબી તળાવ અને સોમનાથ તળાવ સુકાતા લોકમુખે ચર્ચાનો વિષય બન્યો છે.

પાણી બચાવવા સરકાર દ્વારા કેટલીક ઝુંબેશ ઉપાડવામાં આવે છે પરંતુ તેનું યોગ્ય પરિણામ મેળવી શકાતું નથી. બીલીમોરા નગરપાલિકા દ્વારા ધોબી તળાવને લાખોના ખર્ચે નવિનીકરણ બ્યુટીફીકેશન, રબલ પીચિંગ કરાવામાં આવી રહ્યું છે. ધોબી તળાવનો ઘેરાવો 10446 ચો.મી., ઊંડાઈ 6.20 મીટર, અને તેનું ક્ષેત્રફળ 64765 ક્યુબીકમિટર જેટલુ છે. જેમાં લાખો લીટર પાણી સંગ્રહિત થાય છે.આ તળાવને અગાઉ સ્વર્ણિમ જયંતી મુખ્ય મંત્રી શહેરી વિકાસ યોજના રબલ પીચિંગ કરાયું હતું અને હાલ કામ ચાલી રહ્યું છે. તળાવ ફરતે ફેન્સિંગ, સુરક્ષા દરવાજા પાછળ પણ રૂપિયા ખર્ચાય હતા. આટઆટલા ખર્ચા બાદ પણ તળાવનું પાણી સુકાઇ ગયું છે. જોકે આ પાણી ક્યાં પગ કરી ગયું એ તપાસનો વિષય છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર આવી જ પરિસ્થિતિ સોમનાથ તળાવની પણ છે.સોમનાથ તળાવનો ઘેરાવો 6879 ચો.મી., ઊંડાઈ 9 મીટર અને તેનું ક્ષેત્રફળ 639392 ક્યુબીક મીટર જેટલુ છે. સોમનાથ તળાવના બ્યુટીફિકેશન પાછળ પણ પાલિકા દ્વારા કરોડો રૂપિયા નાખ્યા બાદ હજુ કામગીરી પૂર્ણ થઈ નથી ત્યારે આઈલેન્ડ, વોક વે બની ગયો લાઈટ નવી નંખાઈ ગઈ પરંતુ તળાવ જે કારણે ઓળખાય તે પાણી જ ગાયબ થયું છે.બીલીનાકા સ્મશાનભૂમિ નજીક જ્યુબિલી તળાવનું કામ પ્રગતિમાં છે ત્યાં પણ ટીપું પાણી નથી. બીજી તરફ બીલીમોરા નગરપાલિકાની ઉત્તર દક્ષિણે અંબિકા અને કાવેરી નદી વહે છે ત્યાં પણ રિવર ફ્રન્ટનો અભાવ છે. સરકારની પાણી સંગ્રહિત કરવા માટે ની સુજલામ સુફલામ અંતર્ગત નવા નવા તળાવો બને છે ત્યારે બીલીમોરા શહેરના ખાલી થવા આવેલા બંને તળાવોમાં પણ પાણીનો સંગ્રહ રહે તે માટે યોગ્ય આયોજન કરવું ખુબ જ જરૂરી છે. આ બાબતે નગરપાલિકા યોગ્ય આયોજન હાથ ધરી તળાવો નવપલ્લિત થાય એવી લોકલાગણી પ્રસરી છે.બીલીમોરા નગરપાલિકા પાણી માટે અંબિકા દેવધા ઇન્ટેકવેલ પર અને ભુગર્ભ જળસ્રોત પર આધારિત છે. તળાવ ખાલી થાય તો આસપાસના ભુગર્ભ જળ પણના સ્તર પણ ઘટી શકે. જ્યારે કાવેરી નદીનો ઇન્ટેકવેલમાં ખામી સર્જાતા ઘણા સમયથી બંધ અવસ્થામાં છે ત્યારે પાલિકા કોઈ કામગીરી કરી તેને શરૂ કરે તો આકસ્મિક સમયે પાણીની તકલીફ ટાળી શકાય.