વઘઇ: વઘઇ થી આહવાને જોડતા રાજ્ય ધોરીમાર્ગ પર ચિચીનાગાવઠા ગામ નજીક બે મોટરસાયકલ વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતમાં જોગવેલના 25 વર્ષીય સુરજભાઈનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર સુરજભાઈ તેમની સાથે 21 વર્ષીય અંકિતાબેનને હોન્ડા યુનિકોર્ન મોટરસાઇકલ પર લઈને જઈ રહ્યા હતા. આ દરમિયાન સામેથી પૂરઝડપે આવી રહેલી બીજી મોટરસાયકલ સાથે તેમની ટક્કર થઈ હતી. અકસ્માતમાં સુરજભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમનું મૃત્યુ થયું હતું.

અંકિતાબેનને ઈજાઓ થતાં તેમને ધરમપુર ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. સામેની મોટરસાયકલ પર સવાર વ્યક્તિને પણ ઈજાઓ થતાં તેને વલસાડ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતાં પોલીસે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પ્રાથમિક તપાસમાં પૂરઝડપે આવી રહેલી મોટરસાયકલ ચાલકની બેદરકારી અકસ્માતનું કારણ હોવાનું સામે આવ્યું છે. વઘઈ પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.