સુરત: ગુજરાત રાજ્યના પોલીસ મહાનિદેશક અને મુખ્ય પોલીસ અધિકારી શ્રી વિકાસ સહાય (IPS) દ્વારા ખેડૂતો માટેના સબસીડીવાળા યુરિયા ખાતરના ગેરકાયદેસર ઉપયોગને લઈને કડક કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હતી. જેના અનુસંધાને સ્ટેટ મોનીટરીંગ સેલના નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી નિર્લિપ્ત રાય તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી કે.ટી. કામરીયાના માર્ગદર્શન હેઠળ તપાસ હાથ ધરવામાં આવી.

Decision News ને મળેલી માહિતી અનુસાર તપાસ દરમ્યાન મળેલી ખાનગી માહિતી આધારે, સુરત ગ્રામ્યના માંગરોળ તાલુકાના વાસેલા ગામમાં રહેતા જીગ્નેશચંદ્ર અમૃતલાલ પરમારના મકાન અને તેમના ટેમ્પો (GJ-19-U-4195)માં રેડ કરવામાં આવી. જ્યાંથીપ્રધાનમંત્રી ભારતીય જન ઉર્વરક પરીયોજના હેઠળના ભારત સરકારના સબસીડીવાળું યુરિયા ખાતર – કુલ 1188 બેગ (53,460કિલો) મળ્યું, જેને કોમર્શિયલ ઉપયોગ માટે વેચાણ માટે સંગ્રહ કરવામાં આવતું હતું. આ સાથે કુલ રૂપિયા 34,72,808/-નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો.

આ કેસમાં મુખ્ય આરોપી જીગ્નેશ પરમારને ઝડપવામાં આવ્યો છે જ્યારે અન્ય બે આરોપીઓ – નર્મદા જિલ્લાના સેલંબાના નીતીનભાઈ (ખાતર મોકલનાર) તથા સુરતના પાંડેસરાના રાજનભાઈ (ખાતર ખરીદનાર અને વિતરણ કરનાર) વિરુદ્ધ પણ ગુનો નોંધવામાં આવ્યો છે.આરોપીઓએ સરકારશ્રીની સબસીડીવાળું ખાતર ખેતીમાં ઉપયોગ કરવા બદલે કોમર્શિયલ હેતુથી વેચી, સરકારે આપેલી કુલ રૂ. 23,40,206/-ની સબસીડીનો દુરુપયોગ કર્યો હતો.

આ મામલે સુરત ગ્રામ્યના કોસંબા પોલીસ સ્ટેશનમાં IPC કલમ 317(2), 316(5), 3(5), ખાતર નિયંત્રણ હુકમ 1985ની કલમ 25(1), તેમજ આવશ્યક ચીજવસ્તુ ધારા 1955 ની કલમ 3અને 7 હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વધુ તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા ચાલી રહી છે.સરકારશ્રીના સબસીડીના દુરુપયોગના આવા કેસો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે એવી સ્પષ્ટતા અધિકારીઓએ કરી છે.