નર્મદા: નર્મદા જિલ્લાના દેડિયાપાડા તાલુકાના પિપલોદ ગામમાં એક ચકચારી ઘટના સામે આવી છે. અહીં 50 વર્ષીય મહિલા રમિલાબેન પોતાના ઘરના આંગણામાં મૃત હાલતમાં મળી આવ્યા છે. મહિલાના ગળાના ભાગે ઈજાના નિશાન મળી આવતાં હત્યાની આશંકા સેવાઈ રહી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ઘટના 17 એપ્રિલની વહેલી સવારની છે. મૃતક રમિલાબેનની પુત્રી પુષ્પા વસાવાને તેના દીકરા મહેશનો ફોન આવ્યો હતો. મહેશે તેની માતાને જણાવ્યું કે, નાની ઘરના આંગણામાં પડી છે. પુષ્પા તેની બહેન કલ્પના સાથે તરત જ પિપલોદ પહોંચી હતી. ત્યાં તેમને માતા રમિલાબેન નિસ્તેજ હાલતમાં મળ્યા હતા.મૃતકના ગળા પર કાળા ધાબા જેવા ઈજાના નિશાન જોવા મળ્યા છે. આ નિશાન પરથી ગળું દબાવીને હત્યા કરવામાં આવી હોવાની આશંકા છે.
પરિવારજનોના જણાવ્યા મુજબ, અગાઉ ફરિયાદીના કાકા સોમાભાઈ દારૂના નશામાં રમિલાબેન સાથે ઝઘડો કરતા હતા. જોકે, હાલમાં કોઈની સાથે વિવાદ હોવાનું સામે આવ્યું નથી.મૃતકના પતિ મોતીસિંહે જણાવ્યું કે, તેઓ 15 એપ્રિલની રાત્રે 9 વાગ્યા સુધી ઘરે હતા. ત્યાર બાદ ખેતરમાં રખેવાળી માટે ગયા હતા. ઘટનાના એક દિવસ પહેલા સાસરે રહેતી પુષ્પાની માતા સાથે ફોન પર વાત થઈ હતી. તે સમયે રમિલાબેન શાંત હતા અને કોઈ તણાવની વાત કરી ન હતી. ડેડિયાપાડા પોલીસે અજાણ્યા શખસ વિરુદ્ધ હત્યાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.

