નવસારી: નવસારી તાલુકાના સરપોર ગામે ખડકી ફળિયામાં ગતરોજ વહેલી સવારે બે વાછરડીને દીપડાએ ફાડી ખાતા ભયનો માહોલ ફેલાયો છે. નવસારી તાલુકાના બુટલાવ ગામે આંબલીના વૃક્ષ ઉપર મરઘા ખાવા આવેલા દીપડાને પકડવા પાંજરું મૂકવામાં આવ્યું છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર પાંજરું મૂક્યાંને પાંચ દિવસ થયા પણ દીપડો પાંજરે પુરાયો નથી ત્યારે બુટલાવની નજીક આવેલ સરપોરના ખડકી ફળિયામાં રહેતા મોહનભાઇ પટેલના ઘરની બાજુમાં બાંધેલી બે વાછરડી ઉપર ગુરુવારે સવારે 4 વાગ્યાની આસપાસ દીપડાએ હુમલો કરી ફાડી નાંખી હતી. બન્ને વાછરડી બાંધેલી હોય ત્યાંથી લઈ જઈ શક્યો ન હતો. સરપોર ગામે દીપડાએ વાછરડીને ફાડી ખાવાની ઘટનાને પગલે ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો છે.
રાત્રે અમે ગામમાં ચોકી પણ કરી હતી છતાં દીપડાએ શિકાર કર્યો દીપડા અવારનવાર અમારા ગામમાં દેખાતા હોય અમે બુધવારે રાત્રિના સમયે ગામના યુવાનો સાથે ગામમાં ચોકી પણ કરી હતી. રાત્રિના 11 વાગ્યા સુધી અમે ગામમાં ફર્યા પણ કોઈ ન હતું. સવારે અમારા કાકા ગાયનું દૂધ દોહવા આવ્યા ત્યારે ખબર પડી કે બે વાછરડી મૃત હાલતમાં હતી. વન વિભાગ પાંજરું મૂકે તેવી માંગ છે.

            
		








