અંકલેશ્વર: જીઆઇડીસી અંકલેશ્વરથી રાજપીપળાને જોડતા રોડની કામગીરી ચાલી રહી છે પણ આ કામગીરી દરમિયાન લેવલિંગ નહિ જળવાતાં તથા ઠેર ઠેર અપાયેલાં કટના કારણે અકસ્માત થઇ રહયાં છે. ગત રાત્રિના સમયે કટ પાસે અકસ્માત થતાં બાઇક સવાર બે યુવાનને ગંભીર ઇજા પહોંચી હતી.
અંકલેશ્વર રાજપીપળા ને જોડતા માર્ગ ની હાલ અંકલેશ્વર સારંગપુર ગામ વચ્ચે આર.સી.સી રોડ ની કામગીરી ચાલી રહી છે. આ રોડ પર આરસીસી રોડ વચ્ચે 6 જેટલા જોડાણ માટે 6 જેટલા 4 થી લઇ 8 ફૂટ સુધીના કટ રાખવામાં આવ્યાં છે. જયાં દોઢ ફૂટનો ખાડા જેવો ભાગ છે છતાં તેના પરથી વાહનચાલકો પસાર થઇ રહયાં છે.બંને તરફના રોડનું લેવલિંગ નહિ જળવાતાં એક તરફનો રોડ ઉંચો અને બીજી તરફનો નીચો છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગિરનાર સોસાયટી પાસેના પેટ્રોલપંપ સામે બાઇક ચાલકે ખરાબ રસ્તાના કારણે સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દેતાં બંને બાઇક પરથી નીચે પટકાયાં હતાં. આસપાસથી દોડી આવેલાં લોકોએ બંનેને સારવાર માટે ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. આ રોડ પર રહેલા કટમાં કેટલાક સ્થળો પર લોખંડના સળિયા પર બહાર નીકળેલા છે. જેને લઇ વાહન ચાલકો ના જીવ પર જોખમ ઊભું થયું છે. કટમાં ત્વરિત અસર થી પુરાણ કરી રોડ લેવલ કરવા આવે અથવા આ ગેપ માં આર.સી.સી રોડ જોઈન્ટ કરી દેવામાં આવે તેવી સ્થાનિકો માગ કરી રહયાં છે.

