પ્રતિકાત્મક ફોટોગ્રાફ

ડાંગ: ડાંગ જિલ્લાનાં આહવામાં એક મકાનમાં કામગીરી કરતી વેળા બીમ સાથે દિવાલ તૂટી પડતા બે મજુરો દટાઇ ગયા હતા. જેમાં એક મજુરનું ગંભીર ઇજાને પગલે મોત નિપજ્યું હતું. જ્યારે અન્ય મજૂરને ઇજા પહોંચી હતી. ડાંગ જિલ્લાનાં આહવાના જુનાં હેલીપેડ વિસ્તારમાં આવેલ જય અંબે સોસાયટીમાં અરવિંદભાઈનું મકાનનું બાંધકામ ચાલી રહ્યું હતું.

Decision News ને મળેલી માહિતી અનુસાર બુધવારના રોજ સવારે 9.30 કલાકે મજૂરો કામ કરી રહ્યાં હતા. તે દરમિયાન બીમમાંથી સેન્ટીંગ કાઢતી વખતે કામ કરતા મજૂર કાશીરામભાઈ રઘુભાઈ ચૌધરી અને મહેફૂઝ રઝાકભાઈ શાહ પર બીમ સાથે દિવાલ તૂટી પડી હતી. જેને પગલે બન્ને મજૂરો દિવાલ નીચે દબાઈ ગયા હતા. દબાઇ ગયેલા બન્ને મજૂરોને ગંભીર ઇજા પહોંચી હતી. તેમને તાત્કાલિક આહવાની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જયાં ફરજ પરનાં ડોકટરે મેહફુઝ રઝાક શાહને મૃત જાહેર કર્યો હતો.

જયારે કાશીરામભાઈ ચૌધરીને શરીર તેમજ કમરના મણકાનાં ભાગે ગંભીર ઈજા થતાં સારવાર માટે બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ બનાવને પગલે આહવામાં ગમગીની ફેલાઈ ગઈ હતી. મૃતકના પિતા રઝાકભાઈ રફીકભાઈ શાહે આહવા પોલીસ મથકે અકસ્માત મોત અંગેનો ગુનો નોંધાવ્યો હતો. આહવા પોલીસના વુ.હે.કો. શીલાબેન શંકરભાઈએ આગળની તપાસ હાથ ધરી છે.