ચીખલી: 17 એપ્રિલના દિવસને ‘આંતરરાષ્ટ્રીય હાઇકુ’ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. હાઇકુ એ પાંચ, સાત અને પાંચ અક્ષરોની અનુક્રમે બનેલો જાપાની કવિતાનો અતિટૂંકો કાવ્ય પ્રકાર છે. 17 અક્ષરોનો આ કાવ્ય પ્રકાર એક ભાવ જગાડે છે. મળતી માહિતી મુજબ હાઇકુનું નામકરણ ઓગણીસમી સદીમાં માશોકા શીકી દ્વારા કરવામાં આવ્યું હતું. અંગ્રેજી સાહિત્ય તથા ભારતની અન્ય ભાષાઓમાં પણ હાઇકુ કાવ્ય પ્રકારનો પ્રયોગ થયો હતો.
Decision News ને મળેલી માહિતી અનુસાર ગુજરાતી સાહિત્યમાં ‘હાઇકુ’નો પ્રયોગ કરનારાઓમાં દિનેશ કોઠારી, અનિરૂદ્ધ બ્રહ્મભટ્ટના નામ તો છે. આ કવિઓ સિવાય પણ અનેક કવિઓને આ કાવ્ય પ્રયોગમાં ખેડાણ કર્યું પરંતુ સૌથી વધુ પ્રચલિત આ કાવ્ય પ્રકારને નવસારીના ચીખલીમાં જન્મેલા ઝીણાભાઇ રતનજી દેસાઇએ કર્યું, જેઓ ‘સ્નેહરશ્મિ’ તરીકે પણ ઓળખાયા હતા. તેમના હાઇકુ સંગ્રહો ‘સોનેરી ચાંદ રૂપેરી સુરજ’ ખુબ જ પ્રચલિત છે. એક નોંધનીય બાબત એ છે કે હાઇકુ અને સ્નેહરશ્મિનો જન્મદિવસ એક દિવસના છેટે છે.
સ્નેહરશ્મિનો જન્મ દિવસ 16 એપ્રિલ અને હાઇકુ દિવસ 17 એપ્રિલ છે. ગુજરાતી સાહિત્યમાં સ્નેહરશ્મિની સાથે રાજેન્દ્ર શાહ, ઉશનસ, પ્રિયકાંત મણીયાર, રાવજી પટેલ, ધીરૂ પરીખ, ધનસુખલાલ પારેખ વિગેરે કવિઓએ પણ આ અનોખા કાવ્ય પ્રકાણમાં ખેડાણ કર્યુ હતું. મનોજ ખંડેરીયાએ તો હાઇકુ કાવ્ય પ્રકાર અને ગઝલ કાવ્ય પ્રકારનું મિશ્રણ કરી કાવ્ય રચના કરી હોવાનુ જાણવા મળે છે. હાઇકુ કાવ્ય પ્રકારને ગુજરાતીમાં પ્રચલિત કરનાર સ્નેહરશ્મિ છે.

            
		








