નવસારી: નવસારી જિલ્લાના વાંસદા શહેરમાં ધોળે દિવસે ચોરીની ઘટના સામે આવી છે. દશેરા પાર્ટી વિસ્તારમાં રહેતા કૈઝાદ પીઠાવાલાના ઘરને ચોરોએ નિશાન બનાવ્યું હતું. બપોરના સમયે અજાણ્યા શખ્સે ઘરનું જાળિયું તોડી અંદર પ્રવેશ કર્યો હતો.

Decision News ને મળેલી માહિતી અનુસાર ઘરમાંથી કુલ 2 લાખથી વધુની કિંમતના 3 મોંઘા મોબાઈલ ફોનની ચોરી કરી ફરાર થઈ ગયો હતો.આ ઘટનાની જાણ થતાં જ કૈઝાદ પીઠાવાલાએ વાંસદા ટાઉન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

ઘરની નજીક લાગેલા સીસીટીવી કેમેરામાં એક અજાણ્યો યુવક કેદ થયો છે. પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે. પોલીસ આરોપીને પકડવા માટે વિવિધ દિશાઓમાં તપાસ કરી રહી છે.