ઉમરગામ: ઉમરગામ રેલવે ફ્લાઈ ઓવરબ્રિજ બનતા વર્ષો જૂની ટ્રાફિક સમસ્યાનો અંત આવવાની ખુશી લોકોમાં હતી પરંતુ ગણ્યા ગાંઠિયા તત્વોએ દબાણો હટાવવામાં આનાકાની કરતા એપ્રોચ માર્ગની કામગીરી ખોરંભે પડી રહી છે. ઉમરગામ રેલવે ફાટક ખાતે પૂર્વ પશ્ચિમને જોડતો સ્ટેશન નજીકનો ફ્લાય ઓવર બ્રિજ બન્યાને બે વર્ષ થઇ ગયા છે પરંતુ ફ્લાય ઓવર બ્રિજ નિર્માણ સમયે બ્રિજના મધ્યથી મરજીન પૂર્વ તરફ 13 મીટર અને પશ્ચિમ તરફ 15 મીટર જમીન સંપાદિન કરવાનું નક્કી કરેલું હતું.
Decision News ને મળેલી માહિતી અનુસાર માર્જિનમાં થયેલા બાંધકામો દૂર કરવા મિલકત ધારકોને વળતર ચૂકવાયું હતું છતાં કેટલાક લોકોએ વળતરની રકમ લીધા બાદ પણ બાંધકામો દૂર કરેલ નથી. ફ્લાય ઓવર બ્રિજના બન્ને તરફ કેટલાક લોકો કામગીરીમાં બાધા ઉભી કરી રહ્યા છે. એપ્રોચ માર્ગની અધુરી કામગીરીથી ગત ચોમાસામાં લોકોની સ્થિતિ દયનીય બની હતી. સાંકડા એપ્રોચના કારણે સ્ટેશન તરફ ST બસ સુવિધા બંધ કરવામાં આવેલ છે. હાલે ફ્લાય ઓવર બ્રિજની બંને બાજુ સિમેન્ટ કોંક્રિટ રોડનું કામ ચાલી રહ્યું છે.
તંત્રએ નક્કી કરેલી પહોળાઈ મુજબ કામ કરવામાં એજન્સીને ભારે અડચણ આવી રહી છે. વરસાદી પાણીના નિકાલ માટે નાળા નાખવામાં આવી રહ્યા છે ત્યાર બાદ માર્ગ નિર્માણ કરાઇ રહ્યો છે પરંતુ કેટલાક લોકોએ દબાણો હટાવ્યા ન હોય કામ વારંવાર અટકી જતા વિલંબાઇ રહ્યું છે. દબાણો દૂર કરવાની જવાબદારી માર્ગ અને મકાન વિભાગની છે પરંતુ આ અધિકારીઓના હાથ દબાણ દૂર કરવામાં ધ્રુજી રહ્યા હોય તેવું લાગે છે ત્યારે પોલીસ બંદોબસ્ત સાથે રાખી ચોમાસા પહેલા કામ પૂર્ણ કરાય તેવી લોકોની માગ છે.

