ઉમરગામ: ઉમરગામ તાલુકાનાં મરોલી બજાર વિસ્તારમાં રોડને લાગુ બાંધકામ અને લારી ગલ્લાનાં દબાણો ઉભા થયા છે. જેના અહીં રોજ ટ્રાફિક જામની સમસ્યા ઉદભવે છે. જેને દૂર કરવા ચૂંટાયેલા જનપ્રતિનિધીઓ, અગ્રણીઓ રસ દાખવતા ન હોય સમસ્યા યથાવત્ રહી છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર અહીં રોડ કિનારે પાણીની લાઈન, ગેસ લાઇન, ટેલિફોન લાઈન નાખવા રોડનું ખોદકામ કરવામાં આવી રહ્યું છે. એજન્સી દ્વારા ખોદકામ બાદ મોહરમ પૂરી દેતા ચોમાસામાં વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. મરોલી કોસ્ટલ હાઇવેથી મરોલી પટલારા સુધી પાણીની લાઈન નાખવા મરોલી બજાર રોડ કિનારે જગ્યાનાં અભાવે રોડને ખોદી નાખવામાં આવ્યો હોવાથી આ રોડ બંધ થતાં વાહન ચાલકોને અન્ય માર્ગ પરથી પસાર થવું પડી રહ્યું છે.
રોડનું ખોદકામ થતાં ચોમાસામાં માર્ગ પર ખાડા પડવાની શક્યતા છે.સાથો સાથે પાઇપ લાઈનમાં લીકેજ થાય તો રોડ ફરીખોદવાની નોબત આવશે. મરોલી બજારમાં વર્ષોથી રોડ કિનારે થયેલા દબાણોનું કાયમી નિરાકરણ થાય તેવી વાહન ચાલકોની માગ છે.

            
		








