વાંસદા: વાંસદા તાલુકાના ઉમરકુઈ ગામના કુંભીયા પંથકમાં વર્ષો અગાઉ બસ સ્ટેન્ડ બનાવ્યું હતું. આ બસ સ્ટેન્ડ જર્જરિત બનતા મુસાફરો હાલાકીનો સામનો કરી રહ્યાં છે. વાંસદા તાલુકાના ઉમરકુઇ ગામના કુંભીયા વિસ્તારમાં વર્ષો અગાઉ બસ સ્ટેન્ડ બનાવ્યું હતું. જે સમય જતાં જર્જરિત હાલતમાં ફેરવાઇ ગયું છે. આ બસ સ્ટેન્ડ ગમે ત્યારે ધ્વસ્ત થઈ શકે છે.

Decision News ને મળેલી માહિતી અનુસાર આ બસ સ્ટેન્ડ વાંસદા-ધરમપુર સ્ટેટ હાઇવે પર આવેલું હોવાથી અહીંથી અનેક મુસાફરો અપડાઉન કરતા હોય છે, આસપાસના લીમઝર, કાવડેજ, રંગપુર જેવા ગામોમાંથી વિદ્યાર્થીઓ શાળા કોલેજોમાં અભ્યાસ માટે જાય છે ત્યારે આ બસ સ્ટેન્ડ ખૂબ ઉપયોગી હતું.પરંતુ હાલમાં બસ સ્ટેન્ડની દિવાલમાં તિરાડ પડી જતાં ગમે જ્યારે તૂટી શકે છે અને જાનહાનિ થઈ શકે એમ છે.

એસ.ટી. તંત્રે આ બસ સ્ટેન્ડનું સમારકામ કરવાની તસ્દી સુદ્ધાં લીધી નથી. હાલમાં જર્જરિત બસ સ્ટેન્ડનો ઉપયોગ થઈ શકતો નથી. હાલ ઉનાળાની સિઝન હોય કાળઝાળ ગરમી પડી રહી હોય ત્યારે આ બસ સ્ટેન્ડનું સમારકામ થાય તો લોકોને અતિ ઉપયોગી બની શકે છે. જિલ્લાના એસટીના અધિકારીઓ તથા વહીવટી તંત્ર તાત્કાલિક ધોરણે બસ સ્ટેન્ડનું સમારકામ કે નિર્માણ કરે એવી સ્થાનિકોની માંગ છે.