વલસાડ: વલસાડ અને ધરમપુર તાલુકાના અંતરિયાળ અને ઉંડાણના વિસ્તારો લગભગ 95 જેટલા ગામના લોકો માટે સેતુ સમાન વલસાડ હાઇવે ચોકડીથી-ધરમપુરના 23.5 કિમી અંતરના સ્ટેટ રોડને ફોરલેન પ્રોજેક્ટ હેઠળ આવરી લેવામાં આવ્યા બાદ તેના નિર્માણ કાર્યનો પ્રારંભ કરવામાં આવતાં બંન્ને તાલુકાના હજારો લોકોમાં આનંદની લાગણી પ્રસરી ગઇ છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર સરકાર દ્વારા 150 કરોડની ગ્રાન્ટ ફાળવી દેવામાં આવી હતી. જેની તમામ પૂર્વ પ્રક્રિયાઓ પૂર્ણ થતાં વલસાડ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ દ્વારા હાલે રોડના એલાઇન્મેન્ટ સાઇડના ભાગેથી કામગીરીનો પ્રારંભ કરાયો છે. વલસાડ ધરમપુર ચોકડીથી ધરમપુર સુધીના આ સ્ટેટ રોડ પરથી ફોરલેનના અભાવે અનેક માલવાહક ભારે વાહનો, પેસેન્જર વાહનો તથા કાર, બાઇક ચાલકોને ચોમાસામાં હાલાકીનો સામનો કરવો પડતો હતો. વલસાડ ધારાસભ્ય ભરતભાઇ પટેલે રોડના ફોરલેન માટે ગાંધીનગર સીએમ ભુપેન્દ્ર પટેલ, નાણાંમંત્રી કનુભાઇ દેસાઇ, માર્ગ મકાન મંત્રી સુધી રજૂઆત કરી હતી.ઘરમપુરના ધારાસભ્ય અરવિંદ પટેલ દ્વારા પણ રજૂઆતો કરાઇ હતી. આ રોડની વિગતો આરએન્ડબી વિભાગ વલસાડ દ્વારા સરકારને વિગતવાર દરખાસ્તો સાથે મોકલ્યા બાદ રાજ્ય સરકારે જોબ નંબર ફાળવી 150 કરોડની ગ્રાન્ટ મંજૂર કરી હતી. જેની અન્ય પ્રક્રિય પૂર્ણ કરાયા બાદ આરએન્ડબી દ્વારા ધરમુપર ચોકડી વલસાડથી આ ફોરલેન હાઇવેની કામગીરી લોકોને અગવડ ન પડે તે માટે સાઇડ વર્કથી શરૂઆત કરવામાં આવી છે.
નાસિક, શીરડી પ્રવાસ, નોકરિયાતો, વિદ્યાર્થીઓને ઉપયોગી બનશે. સાઇભક્તોને નાસિક શીરડી સાઇ મંદિર પ્રવાસ માટે ફોરલેન આશિર્વાદરૂપ બનશે. રોજી રોટી માટે વાપી, સુરત નોકરી જતાં ગ્રામ્ય પંથકના નોકરિયાતો, સરકારી કર્મચારીઓને ફોરલેનથી વહેલા આવવા જવાની સુવિધા પ્રાપ્ત થશે.વલસાડ ધરમપુર રોડ ફોરલેન બનાવવાનું કામ શરૂ કરાયું છે. આ કામની મુદ્દત દોઢ વર્ષની છે.વલસાડ ધરમપુર રોડને ફોરલેન બનાવવા માટે બંન્ને સાઇડે માર્જિનમાં આવતા નડતર ઝાડ દૂર કરવાની કામગીરી શરૂ કરાઇ છે. વિજલાઇનના થાંભલાઓ ખસેડવામાં આવશે.











