ધરમપુર: ધરમપુરનાં ખાંડા ગામનાં ગવળી ફળીયામાં સ્મશાન ભૂમિને જોડતો રોડ આઝાદી બાદ પણ બન્યો નથી. ભારે હાલાકી બોગવતા લોકોની અહીં રસ્તો બનાવવા તથા સ્મશાન ભૂમિ સુવિધાની માગ બળવત્તર બની છે. ખાંડા ગામે 800 લોકોની વસ્તી ધરાવતા ગવળી ફળીયામાં આશરે દોઢ કિમીનો સ્મશાન ભૂમિને જોડતો રોડ પગદંડી જેવો હોય ચોમાસામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર અહીં સ્મશાન ભૂમિનો શેડ માત્ર બેસવા માટે છે. અહીં સગડીનાં અભાવે ખુલ્લામાં અગ્નિ સંસ્કાર કરવા પડતા હોવાથી ચોમાસામાં દયનીય હાલત થાય છે જેથી અહીં સગડીની વ્યવસ્થા ઉભી કરવામાં પણ સ્થાનિકોની માગ છે.સ્મશાન ભૂમિથી થોડા અંતરે કરાયેલા બોરનાં પાણીનાં સંગ્રહ માટે ટાંકી, સ્નાન કરવા તેમજ અસ્થિ વિસર્જન વિધિ કરવા નદી સુધીનો આશરે 1 કિમીનો રસ્તો પણ ખરાબ હોય તેને બનાવવા સ્થાનિક યુવા યતેન્દ્ર ગવળી તથા ગણેશ ઝીણાભાઈ ગવળી, ભાયકુભાઈ બી.રાઉત, રાજેન્દ્ર એમ.પવાર તથા સંદીપ આર.માહલાએ સ્થળ મુલાકાતમાં જણાવ્યું હતું.
વધુમાં સ્મશાન ભૂમિ નજીકના આવેલા આશરે 18 ઘરોને પણ ગામની ડેરીમાં દૂધ ભરવા,બાળકોને શાળાએ જવા માટે તકલીફ પડતી હોય છે. આ ઉપરાંત અહીંથી સ્મશાન ભૂમિની પાછળના ભાગે ડુંગર તરફ ખેતી કરવા તથા ઘાસચારો માટે જતા લોકોને પણ હાલાકી ઉઠાવવી પડતી હોય છે. ગામનાં ગાવીત ફળીયા અને થોરાત ફળીયામાં સ્મશાન ભૂમિ પાકી છે. અને ખોરી ફળીયામાં પાકી નથી.











