વાંસદા: નળ સે જળની કરોડો રૂપિયાની યોજનાને લઈને વાત કરીએ તો વાંસદાના પૂર્વપટ્ટીના ગામોમાં સરકારના પાણી પુરવઠા વિભાગ દ્વારા કરોડોની યોજના થકી ટાંકીઓ બનાવી બોરમાં પાણી ન નીકળતા મોટાભાગની ટાંકીઓ માત્ર શોભના ગાંઠિયા સમાન બની છે.
Decision News ને મળેલી માહિતી અનુસાર હાલમાં તો વાંસદા તાલુકાના પૂર્વપટ્ટીના વિસ્તારમાં આવેલા ગામો પૈકી ખાટાઆંબા, ચોરવણી, મોળાઅંબા, વાંગણ, વાડીચોંઢા, આંબાપાણી જેવા ગામોમાં વર્ષોથી ઉનાળા દરમિયાન પાણીની અછત વર્તાતી હોય છે. ઉનાળામાં આ વિસ્તારમાં પાણીની સમસ્યા એટલી હદે ગંભીર બને છે કે અહીંના ખેડૂતોએ પીવાના તેમજ પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવા રૂ. 700 ખર્ચી ટેન્કર મંગાવવું પડે છે. ખાટાઆંબામાં લોકો પીકઅપમાં ટાંકી મૂકી રૂ. 400 ખર્ચી પ્રાયવેટ બોરમાંથી વેચાતું પાણી લાવવાનો વારો આવતો હોય છે.
ગુજરાત સરકાર દ્વારા ઉનાળામાં પીવાના પાણીની સમસ્યાને પહોંચી વળવા તેમજ લોકોની સુખાકારી માટે ઘર ઘર નળ સે જળની કરોડો રૂપિયાની યોજના અમલમાં મૂકી પરંતુ વાંસદા તાલુકાના 94 ગામોમાં આ યોજનાની કડવી વાસ્તવિકતા સામે આવી રહી છે. વાંસદા તાલુકાના 94 ગામોમાં વાસ્મો યોજના થકી દરેક ગામોમાં બોર અને પાઇપલાઇન કરી ઘરે ઘરે નળ મુકવામાં આવ્યા પરંતુ પાણી આજ સુધી આવ્યું નથી

