અંકલેશ્વર: અંકલેશ્વરની પાનોલી ઔદ્યોગિક વસાહતમાં આજે સવારે એક મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જલ એકવા કંપનીમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી વિકરાળ હતી કે, ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાતા હતા. ઘટનાની જાણ થતાં જ અંકલેશ્વર અને પાનોલી ડીપીએમસીના કુલ 8 ફાયર ટેન્ડર તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા
DECISION NEWS ને મળેલ માહિતી મુજબ પોલીસ અને સેફ્ટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ છે. સુરક્ષાની દૃષ્ટિએ કંપની તરફ જતાં માર્ગને કોર્ડન કરી દેવામાં આવ્યો છે. આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો. ફાયર બ્રિગેડની ટીમ આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો કરી રહી છે.
રાહતની વાત એ છે કે, આગ લાગતાની સાથે જ કંપનીના તમામ કર્મચારીઓ સુરક્ષિત રીતે બહાર નીકળી ગયા હતા. આ દુર્ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ લાગવાનાં કારણો અને નુકસાનનો અંદાજ હજુ મેળવવાનો બાકી છે.

